Payal Goti Letter Case: સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવનારા અને રાજકીય તેમજ વહીવટી સ્તરે ગાજેલા 'પાયલ ગોટી લેટરકાંડ' (Payal Goti Letter Case)માં એક અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સામે આવ્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC – National Human Rights Commission)ની સુનાવણી દરમિયાન પંચે પોલીસ તંત્રની ગેરકાયદે કામગીરી સામે લાલ આંખ કરી છે.
કમિશને માનવ અધિકારોના ઘોર ઉલ્લંઘન બદલ ભોગ બનનાર પાયલ ગોટીને ₹7.5 લાખનું આર્થિક વળતર ચૂકવવાનો રાજ્ય સરકારને કડક આદેશ કર્યો છે.
ગેરકાયદે ધરપકડ અને જાહેરમાં સરઘસ કાઢવા સામે ફરિયાદ
આ સમગ્ર કેસમાં પોલીસની તપાસ અને કાર્યવાહી સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. પાયલ ગોટી દ્વારા કાયદાના નિયમોની ઐસીતૈસી કરીને કરવામાં આવેલી ગેરકાયદે ધરપકડ તેમજ જાહેરમાં અપમાનજનક રીતે પરેડ કરાવવાના મામલે માનવ અધિકાર પંચ સમક્ષ વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે સત્તાના નશામાં ચૂર થઈને પોલીસ તંત્રએ બંધારણીય અધિકારો અને વ્યક્તિગત ગરિમાને કચડી નાખી હતી.
પોલીસની ભૂમિકા સામે NHRCનું કડક વલણ
ગાંધીનગરમાં હાથ ધરાયેલી વિસ્તૃત સુનાવણી દરમિયાન રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પોલીસ વિભાગની કાર્યપદ્ધતિ સામે અત્યંત કડક અને નારાજગીભર્યું વલણ દાખવ્યું હતું. પંચે નોંધ્યું હતું કે, કાયદાની રક્ષા કરવા માટે જવાબદાર એજન્સીઓ જ જ્યારે નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન કરે છે ત્યારે તે કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહીં. મહિલા આરોપી સાથે જાહેરમાં કરવામાં આવેલો વ્યવહાર સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અને માનવ અધિકારોના સ્પષ્ટ ઉલ્લંઘન સમાન છે.
રાજ્ય સરકારને આદેશ: ₹7.5 લાખનું વળતર ચૂકવો
તમામ પક્ષોની દલીલો અને પુરાવાઓની ગંભીરતાથી ચકાસણી કર્યા બાદ NHRCએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે રાજ્ય સરકારે ભોગ બનનાર પાયલ ગોટીને થયેલા માનસિક ત્રાસ, સામાજિક બદનામી અને માનવ અધિકાર ભંગ પેટે ₹7.5 લાખનું વળતર ચૂકવવું પડશે. આ સીમાચિહ્નરૂપ આદેશથી ગુજરાત પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને પોલીસ સત્તાના બેફામ દુરુપયોગ સામે આ ચુકાદો એક મજબૂત લપડાક સમાન માનવામાં આવી રહ્યો છે.
: ડૉ. ભરત કાનાબારની પોસ્ટ ચર્ચામાં: IAS તુકારામ મુંડેની પ્રશંસા કરી, નિર્લિપ્ત રાય, શેષન અને ખૈરનારની પ્રામાણિકતાને બિરદાવી

