- Petlad ના વર્ષો જૂના કિન્નર અખાડાના અસ્તિત્વ સામે ખતરો
- અમદાવાદના કિન્નરો સખત ત્રાસ અપાતા હોવાનો આરોપ
- પેટલાદ કિન્નર અખાડાના સભ્યોને ધમકી મળ્યાનો આક્ષેપ
આણંદ જિલ્લાના પેટલાદ (Petlad) માં આવેલા વર્ષો જૂના કિન્નર અખાડાના અસ્તિત્વ સામે હાલ ગંભીર ખતરો (Threat) ઉભો થયો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારના કિન્નરો દ્વારા પેટલાદના કિન્નર અખાડાના સભ્યોને સખત ત્રાસ (Harassment) આપવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
1008 મહામંડળેશ્વર કિન્નર અખાડા સમાજના અધ્યક્ષ અને જાણીતા કિન્નર અગ્રણી સ્વીટુ માસીએ આ અંગે આણંદ પોલીસ અધિક્ષક (Superintendent of Police) ને રૂબરૂ મળી લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. સાથે જ ન્યાય નહીં મળે તો આત્મહત્યા કરી લેવાની ચીમકી ઉચ્ચારી છે.
જાનથી મારી નાખવાની ધમકીના આરોપ
મંડળેશ્વરના અધ્યક્ષ સ્વીટુ માસીએ જણાવ્યું હતું કે અમદાવાદના બહેરામપુરામાં રહેતા ભાવના ઉર્ફે સલીમ પઠાણ અને કસિસ્તે તેમના શિષ્યોને મોકલીને પેટલાદના ગુરુઓ પર દબાણ લાવવાનું શરૂ કર્યું છે. આક્ષેપ મુજબ સામા પક્ષ દ્વારા કિન્નર અખાડાના સભ્યો પર ખોટી એટ્રોસિટી (Atrocity) ની ફરિયાદો કરીને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે અખાડાના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) પણ આપવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિક કિન્નર સમાજમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.

ગૃહમંત્રીને પણ રજૂઆત!
આ વિવાદની ગંભીરતાને જોતા સ્વીટુ માસીએ ગઈકાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને સમગ્ર પરિસ્થિતિથી તેમને વાકેફ કર્યા હતા. સ્વીટુ માસીએ આક્ષેપ કર્યો છે કે ભૂતકાળમાં પણ તેમના જૂથના કેટલાક સભ્યો રહસ્યમય રીતે ખોવાઈ ગયા છે, જેની પાછળ પણ કોઈ ષડયંત્ર હોવાની આશંકા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો આ બાબતે યોગ્ય તપાસ (Investigation) કરવામાં ન આવી તો તેઓ મોટું કદમ ઉઠાવવા મજબૂર થશે.

આત્મહત્યાની ચીમકી
સ્વીટુ માસીનો આરોપ છે કે તેમના પર ગમે ત્યારે હુમલો થઈ શકે તેવી સંભાવના છે. તેમણે પોલીસ પાસે રક્ષણની માંગણી કરતા ઉમેર્યું કે “જો અમે ક્યાંય પણ ખોટા હોઈએ તો અમારી વિરુદ્ધ કાર્યવાહી કરો, પરંતુ ખોટી રીતે થતી હેરાનગતિ બંધ થવી જોઈએ.” ન્યાય ન મળવાની સ્થિતિમાં કિન્નર અખાડાના સભ્યોએ આત્મહત્યા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

