Rajkot News: રાજકોટ શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચનારાઓ સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં રાજકોટ એસઓજી (SOG) પોલીસે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરીને શહેરની અંદર ચાલતી ડુપ્લિકેટ તમાકુ બનાવવાની ગેરકાયદે ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આ મામલે રેડ કરીને ફેક્ટરીના સંચાલકોને રંગે હાથે ઝડપી લીધા છે અને મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Rajkot માં SOG પોલીસની મોટી રેડ
રાજકોટ એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના એક વિસ્તારમાં લોકપ્રિય બ્રાન્ડની આડમાં નકલી તમાકુ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે હિરેન પરફ્યુમરી વર્ક નામના ગોડાઉન પર અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસની આ રેડથી ગોડાઉન સંચાલકોમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ફેક્ટરીના મુખ્ય સંચાલક હિરેન સોનેજી અને રાજુ સોનેજી નામના શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ શખ્સો ગ્રાહકોની આંખમાં ધૂળ નાખીને નકલી તમાકુનું વેચાણ કરી રહ્યા હતા.
1.72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન ગોડાઉનમાંથી અલગ-અલગ પેકિંગવાળા ડબ્બા જપ્ત કર્યા હતા. જેમાં 500 ગ્રામ, 200 ગ્રામ અને 50 ગ્રામના ડુપ્લિકેટ તમાકુના ડબ્બા મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. બ્રાન્ડેડ કંપનીના લોગો અને નામનો ગેરઉપયોગ કરીને તૈયાર કરાયેલા આ જથ્થા સાથે પોલીસે કુલ 1.72 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં આ નકલી તમાકુ કઈ-કઈ જગ્યાએ અને કોને-કોને વેચવામાં આવતું હતું તથા આ કૌભાંડ સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલું છે તે અંગે એસઓજી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
: Ambaji Accident: અંબાજી નજીક સર્જાયેલા અકસ્માતમાં દેવદૂત બન્યા નેતાઓ, ધારાસભ્યો અને મેયરે ઇજાગ્રસ્ત યુવકોને કરી સમયસર મદદ

