Dailyhunt
SMC Election 2026: 47% ફોર્મ રદ, આપ-કોંગ્રેસને જોરદાર ફટકો! બીજી તરફ 'નો વોટ, નો એન્ટ્રી'ના નારા

SMC Election 2026: 47% ફોર્મ રદ, આપ-કોંગ્રેસને જોરદાર ફટકો! બીજી તરફ 'નો વોટ, નો એન્ટ્રી'ના નારા

Gujarat First 3 days ago

SMC Election 2026: ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસઆજે સાંજ સુધીમાં ચૂંટણીનું અંતિમ ચિત્ર થશે સ્પષ્ટ
ચકાસણીમાં સુરતમાં કુલ 561 ઉમેદવારોના ફોર્મ થયા રદ
ફોર્મ ચકાસણી દરમિયાન કુલ 47 ટકા ફોર્મ ફગાવી દેવાયા
ભાજપના 120, કોંગ્રેસના 119 અને આપના 111 ફોર્મ મંજૂર
આપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારનું ફોર્મ રદ થતા ફટકો

SMC Election 2026: સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation - SMC) ની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે.

આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ (Last day for withdrawal of nomination) છે. સાંજ સુધીમાં ચૂંટણી મેદાનમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ફોર્મ ચકાસણીમાં મોટા પાયે ફોર્મ રદ થતા અનેક સમીકરણો બદલાયા છે.

વહીવટી તંત્રની કડક કાર્યવાહી: 47 ટકા ફોર્મ રદ

ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી સ્ક્રુટિની (Scrutiny) દરમિયાન સુરતમાં કુલ 561 ઉમેદવારોના ફોર્મ રદ (Rejected) કરવામાં આવ્યા છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો કુલ ભરાયેલા ફોર્મમાંથી અંદાજે 47 ટકા જેટલા ફોર્મ ટેકનિકલ ખામીઓ અથવા અધૂરી વિગતોને કારણે ફગાવી દેવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં ફોર્મ રદ થતા રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઈ છે.

અડાજણમાં પૂર્ણેશ મોદી મેદાને

સુરતના અડાજણ (Adajan) વિસ્તારમાં પણ ભાજપના ઉમેદવારોનો વિરોધ થતા પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી (Purnesh Modi) અને વિધાનસભા ઉપાધ્યક્ષે નારાજ કાર્યકરોને મનાવવા બેઠકોનો દોર શરૂ કર્યો છે. બીજી તરફ બારડોલીના ડીએમ નગર (DM Nagar) ના રહીશોએ પાણી ભરાવાની સમસ્યાને કારણે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર (Election Boycott) જાહેર કરી રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

કામરેજમાં આદિવાસી સમાજનો વિરોધ ફળ્યો

સુરતના કામરેજ તાલુકા પંચાયતની કામરેજ-2 (Kamrej-2) બેઠક પર મોટો રાજકીય ઉલટફેર થયો છે. ભાજપના ઉમેદવાર ભરત સામળા (Bharat Samla) એ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ચર્ચા છે કે ભરત સામળા મૂળ ગીર ગઢડા (Gir Gadhda) ના હોવાથી સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ હતો. સ્થાનિક હોદ્દેદારોએ સામૂહિક રાજીનામાની ચીમકી આપતા અંતે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા (Praful Pansheriya) ના મત વિસ્તારમાં ભાજપે નમતું જોખવું પડ્યું છે.

કડોદમાં ભાજપ બિનહરીફ, મામલતદાર કચેરીએ હંગામો

બારડોલીના કડોદ તાલુકા પંચાયત-2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હેતલબેન ચૌધરી (Hetalben Chaudhary) એ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર જાગૃતિબેન હળપતિ (Jagrutiben Halpati) બિનહરીફ જાહેર થયા છે. આ ઘટનાને પગલે મામલતદાર કચેરી (Mamlatdar Office) ખાતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા.

આપ અને કોંગ્રેસને ફટકો

ફોર્મની ચકાસણી બાદ મુખ્ય પક્ષોની સ્થિતિ જોઈએ તો, ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party - BJP) ના 120 ફોર્મ મંજૂર થયા છે. જ્યારે કોંગ્રેસ (Indian National Congress) ના 119 અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party - AAP) ના 111 ફોર્મ મંજૂર રાખવામાં આવ્યા છે. જોકે, આમ આદમી પાર્ટીના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારનું ફોર્મ રદ થતા વિપક્ષી છાવણીમાં મોટો ફટકો પડ્યો છે. કેટલીક બેઠકો પર ડમી ઉમેદવારોના ભરોસે રહેલા પક્ષો માટે હવે વ્યૂહરચના બદલવી અનિવાર્ય બની છે.

'આપ'નો માસ્ટર સ્ટ્રોક: 111 ઉમેદવારો નજરકેદ?

તોડજોડની રાજનીતિ અને 'ડેમેજ કંટ્રોલ' થી બચવા માટે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party - AAP) એ અનોખો રસ્તો અપનાવ્યો છે. સુરતના છેવાડે આવેલા એક ફાર્મ હાઉસ (Farmhouse) માં તમામ 111 ઉમેદવારોને વિઝન ડોક્યુમેન્ટ લોન્ચિંગના બહાને ભેગા કરવામાં આવ્યા હતા. બપોરે 3 વાગ્યા સુધી કોઈ ફોર્મ પરત ન ખેંચે તે માટે એન્ટ્રી-એક્ઝિટ પર કડક પૂહપરછ ગોઠવી ઉમેદવારોને વ્યસ્ત રાખવામાં આવ્યા હતા.

આશીર્વાદ વિલા સોસાયટીમાં લોકશાહી સામે રોષ

એક તરફ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ સુરતના ભરથાણા (Bharthana) વિસ્તારમાં આવેલી આશીર્વાદ વિલા સોસાયટી (Ashirwad Villa Society) ના રહીશોએ તંત્ર અને શાસકો સામે મોરચો માંડ્યો છે. છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ સોસાયટીના 2500 થી વધુ રહીશોએ આગામી ચૂંટણીના બહિષ્કાર (Election Boycott) ની ચીમકી આપી છે.

'નો વોટ, નો એન્ટ્રી': રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ

વોર્ડ નંબર 22 માં આવતી આ સોસાયટીની બહાર મોટા બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે "નો વોટ, નો એન્ટ્રી" (No Vote, No Entry). રહીશોએ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ નેતા ડોકાતા નથી અને સોસાયટીની સમસ્યાઓ જસની તસ જ રહી છે.

ટાઉન પ્લાનિંગના નામે અસુવિધા અને ભ્રષ્ટાચારના આક્ષેપ

સોસાયટીના લોકોનો મુખ્ય વિરોધ ટાઉન પ્લાનિંગ (Town Planning - TP) સ્કીમ સામે છે. રહીશોનો આરોપ છે કે તંત્ર દ્વારા ગાર્ડન (Garden) અને રિઝર્વેશનની જગ્યાઓ છીનવી લેવામાં આવી છે. એટલું જ નહીં, મુખ્ય રોડ (Main Road) પણ બાજુની પ્રોપર્ટીમાં એલોટ કરી દેવાતા સોસાયટીના લોકો માટે અવરજવર મુશ્કેલ બની છે. છેલ્લા બે દાયકાથી ચાલી આવતી આ સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.

ભાજપના જ કાર્યકરે ઉઠાવ્યો બળવાનો સૂર

આશ્ચર્યની વાત એ છે કે, આ ચૂંટણી બહિષ્કારની આગેવાની ખુદ ભાજપના કાર્યકરો (BJP Workers) પણ કરી રહ્યા છે. એક સ્થાનિક કાર્યકરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, "અમોને લોકશાહી પરથી ભરોસો ઊઠી ગયો છે. માત્ર વાયદાઓ આપવામાં આવે છે પણ કામ થતું નથી." જ્યાં સુધી રોડ, ગાર્ડન અને પ્લાનિંગની સમસ્યાઓનું કાયમી સમાધાન નહીં થાય ત્યાં સુધી એક પણ મત નહીં આપવાનો મક્કમ નિર્ધાર સોસાયટીએ કર્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First