Srimad Bhagavad Gita : શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ નિરાશાને આશામાં બદલતું દિવ્ય રસાયણ છે. મહાભારતના ભીષ્મપર્વમાંથી પ્રગટેલી ગીતાનો ઉદ્ભવ, તેનો બહિરંગ વૈભવ અને ગાંધીજી સહિત વિશ્વના મહાન ચિંતકો પર તેના સકારાત્મક પ્રભાવ વિશે આ લેખમાં વિગતવાર જાણો.
Srimad Bhagavad Gita : પાંચ હજાર વર્ષ પૂર્વે કુરુક્ષેત્રના રણમેદાનમાં શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદરૂપે પ્રગટેલી શ્રીમદ્ ભગવદ્ ગીતા(Bhagavad Gita) માત્ર એક ઐતિહાસિક ઘટના કે હિન્દુ પરંપરાનો ગ્રંથ નથી, પરંતુ સમસ્ત માનવજાતિને નવજીવન બક્ષતું એક અદ્ભુત દિવ્ય રસાયણ છે.
ભારતના તમામ પ્રાચીન-અર્વાચીન આચાર્યો તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ આ ગ્રંથને પ્રમાણિત કરી તેના હકારાત્મક સંદેશને વારંવાર ઘૂંટ્યો છે. ગીતા જીવનની કઠોર વાસ્તવિકતાઓથી શરૂઆત કરીને મનુષ્યને આદર્શોના સર્વોચ્ચ શિખર સુધી લઈ જતું એક સકારાત્મક અભિયાન છે. તે જીવદશામાંથી બ્રહ્મદશામાં રૂપાંતરિત કરે છે, વ્યક્તિશાંતિથી વિશ્વશાંતિનો માર્ગ કંડારે છે અને નિરાશાના ગાઢ અંધકારને પણ પરમ પ્રસાદમાં પલટાવતી શક્તિની એક અખૂટ ખાણ છે.
Srimad Bhagavad Gita : વિશ્વના દિગ્ગજો પર ગીતાનો જાદુઈ પ્રભાવ
ગીતામાતાના સંપર્કમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને નવી આશા અને નવી ઊર્જાનો અદભુત અનુભવ થયો છે. ગાંધીજીએ ગીતાના સકારાત્મક પ્રભાવ વિશે હૃદયપૂર્વક કહ્યું હતું કે, ''મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છું. જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે, તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી. તે હંમેશા આનંદમાં રહે છે.'' ગાંધીજીની ઇચ્છા હતી કે પ્રત્યેક શૈક્ષણિક સંસ્થામાં ગીતા ભણાવવામાં આવે. આવી જ રીતે વિનોબા ભાવેજીએ પણ નોંધ્યું છે કે, ''મારું શરીર માના દૂધથી પોષાયું છે, પણ તેથીએ વિશેષ મારું હૃદય અને મારી બુદ્ધિ એ બંનેનું પોષણ ગીતાના દૂધથી થયું છે.''
જીવનના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આ નાનકડી પુસ્તિકામાં
ગીતાનો આ સકારાત્મક ઉજાસ માત્ર ભારત પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ મીઠાની પૂતળી દરિયાનો તાગ કાઢવા જાય અને ઓગળી જાય, તેમ અનેક વિદેશી ચિંતકો આ જ્ઞાનગંગામાં ડૂબકી લગાવીને સમર્પિત થઈ ગયા છે. હેન્રી ડેવિડ થોરો સ્પષ્ટ માને છે કે, 'મારા જીવનના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આ નાનકડી પુસ્તિકામાં છે.' રાલ્ફ વાલ્ડો એમર્સન ગીતાને માનવજાતની સર્વોચ્ચ સંપત્તિ ગણાવતા કહે છે કે, 'सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि' (ગીતા-૬/૨૯) જેવાં દિવ્ય વાક્યો વાંચીને મારું હૃદય પુલકિત થઈ ઊઠે છે. તો વોરન હેસ્ટિંગ્સે પણ સ્વીકાર્યું છે કે માનવીય નીતિને ઉન્નતિની ટોચ પર પહોંચાડવામાં ગીતાનો ઉપદેશ અદ્વિતીય છે.
ખરેખર, ગીતાએ ભટકેલાને સાચો રાહ ચીંધ્યો છે, ધર્મભીરુને ધર્મવીર બનાવ્યા છે, પછડાયેલામાં જબરદસ્ત જોમ ભર્યું છે અને શુષ્ક જ્ઞાનીઓને ભક્તિના રસથી તરબોળ કર્યા છે. ઉચ્છૃંખલ બનેલાને વૈરાગ્યનો મહિમા સમજાવી આળસ ખંખેરી સાધનાનો ઉત્સાહ પૂર્યો છે. આ બધું જ શક્ય બન્યું છે કારણ કે ગીતા ધર્મમય છે, સર્વ જ્ઞાનની પ્રયોજિકા છે અને સર્વશાસ્ત્રમય છે. ગીતામાહાત્મ્યમાં બરાબર જ કહેવાયું છે: ''यस्माद् घर्ममयी गीता सर्वज्ञान-प्रयोजिका। सर्वशास्त्रमयी गीता तस्माद् गीता विशिष्यते॥''
મહાભારત: ગીતાનું ભવ્ય ઉદ્ગમસ્થાન
ગીતાને સંપૂર્ણપણે પામવા માટે તેના ઉદ્ગમસ્થાન મહાભારતને સમજવું જરૂરી છે. 'इति' (એ પ્રમાણે), 'ह' (અવશ્ય), અને 'आस' (બન્યું હતું) - આ વ્યુત્પત્તિલભ્ય અર્થ ધરાવતો 'ઇતિહાસ' એટલે મહાભારત, જે વાસ્તવિક ઘટનાઓનું દસ્તાવેજી મહાકાવ્ય છે. મહર્ષિ વેદવ્યાસ રચિત ૧૮ પર્વો અને ૧ લાખ શ્લોકોમાં પથરાયેલો આ ગ્રંથ ભારતીય સનાતન સંસ્કૃતિનો ઐતિહાસિક વિશ્વકોશ છે. રચયિતાની કુશળતા એવી છે કે તેમણે કશું ભૂલ્યા વિના અને વધારાનું કહ્યા વિના જીવનની સર્વાંગીણ સમજૂતી આપી છે. મહાભારત ખુદ પોકારીને કહે છે:
'घर्मे चार्थे च कामे च मोक्षे च भरतर्षभ। यदिहास्ति तदन्यत्र यन्नेहाऽस्ति न तत् क्वचित्॥'
(અર્થાત્ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર પુરુષાર્થ વિશે જે અહીં છે તે જ જગતમાં છે, જે અહીં નથી તે ક્યાંય નથી.)
આવા વિશાળ મહાસાગરમાં ગીતા એક અમૂલ્ય રત્ન સમાન બિરાજમાન છે. રમણીય ઉદ્યાનમાં કોઈ પારિજાતકનું નાનકડું વૃક્ષ મહોરી ઊઠે, પુષ્પમાળામાં સુગ્રથિત તારો શોભે, અફાટ નક્ષત્રમંડળમાં નિશાપતિ ચંદ્ર ચમકે, કુલીન કુટુંબમાં કુલદીપક પુત્ર શોભે કે પછી પ્રાણવાન શરીરમાં આત્મા ધબકે, બરાબર તેમ જ આખા મહાભારતનું સર્વસ્વ આ નાનકડા શાસ્ત્રમાં અદ્ભુત રીતે સમાયું છે.
ભગવદ્ ગીતાનો બહિરંગ વૈભવ
કોઈપણ રાજપ્રાસાદને તેની બહારની અને અંદરની એમ બંને ભવ્યતાથી માણી શકાય. ગીતાનો બહિરંગ વૈભવ પણ એટલો જ રોમાંચક છે. યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જે અદ્ભુત જ્ઞાન આપ્યું અને અર્જુને જે જિજ્ઞાસાઓ વ્યક્ત કરી, તે સંપૂર્ણ વૃત્તાંતને મહર્ષિ વેદવ્યાસજીએ છંદોબદ્ધ શ્લોકરૂપે ગૂંથીને શાસ્ત્રનું અમર સ્વરૂપ આપ્યું. આમ, ગાનારા ભલે કૃષ્ણ હોય, પણ તેને શાસ્ત્રરૂપે ગૂંથનારા વ્યાસજી છે.
મહાભારતના ભીષ્મપર્વમાં ગીતા કેન્દ્રસ્થાને છે. યુદ્ધનાં વાદળો ઘેરાયાં ત્યારે વ્યાસજીએ જ્ઞાની સંજયને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરી. ભીષ્મપર્વના ૨૪ અધ્યાયો પૂર્ણ થયા બાદ, ૨૫મા અધ્યાયની શરૂઆતમાં ધૃતરાષ્ટ્રે પૂછ્યું: ''घर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः। मामकाः पाण्डवाश्र्चैव किमकुर्वत संजय॥'' બસ, ધૃતરાષ્ટ્રની આ જ જિજ્ઞાસાએ માનવજાતના કલ્યાણ માટે ગીતાનાં શ્રીગણેશ કરાવ્યા. ભીષ્મપર્વના આ ૨૫મા અધ્યાયથી લઈને ૪૨મા અધ્યાય સુધી પ્રગટેલી આ ગીતા આજે પણ આપણા જીવનમાં હકારાત્મકતાનો અખૂટ પ્રકાશ પાથરી રહી છે.
:Ambaji : સિદ્ધિ ગ્રુપની 42 વર્ષની પરંપરા યથાવત્, અંબાજી માટે પગપાળા સંઘનું પ્રસ્થાન, જુઓ Video

