Vav-Tharad Politics: વાવ અને થરાદ પંથકમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે. જેમાં કોંગ્રેસે ખોટા નામ બોલાયા હોવાના આક્ષેપ કર્યા છે.
આ મામલે અને વાવ-થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોરે (Naresh Thakor) નિવેદન જાહેર કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વીડિયો વાયરલ કરનારા તત્વો ભાજપ સાથે નહીં, પરંતુ કોંગ્રેસના જ છે.
વીડિયો વાયરલ કરનાર કોંગ્રેસના જ કાર્યકરો: જિલ્લા ભાજપ પ્રમુખ
ભાજપ પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, સનેસડા ગામના જે વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવ્યા છે, તેમાં સત્યતા કંઈક અલગ જ છે. તેમણે દાવો કર્યો કે વીડિયો વાયરલ કરનાર વ્યક્તિઓ કોંગ્રેસના જ કાર્યકરો છે અને તેઓ ક્યારેય ભાજપમાં જોડાયા જ નથી. કોંગ્રેસ દ્વારા ભાજપની છબી ખરડવા માટે આ પ્રકારના પેંતરા રચવામાં આવી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
સનેસડા ગામમાં કોંગ્રેસમાં મોટું ગાબડું
આ વિવાદ પાછળનું મુખ્ય કારણ જણાવતા પ્રમુખે ઉમેર્યું કે સનેસડા ગામના મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોએ પક્ષ પ્રત્યેની નારાજગી વ્યક્ત કરી ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. આ પક્ષ પલટાથી કોંગ્રેસમાં ફફડાટ વ્યાપી ગયો છે. જનતાનો ભાજપ તરફનો ઝુકાવ જોઈને કોંગ્રેસ હવે પાયાવિહોણા વીડિયોનો સહારો લઈ રહી છે. જે 4-5 લોકોએ વીડિયો વાયરલ કર્યો છે, તેઓ પહેલેથી જ કોંગ્રેસમાં હતા અને આજે પણ કોંગ્રેસમાં જ છે.
ખોટા નામ લેવાતા હોવાના આક્ષેપ બાદ જવાબ
સનેસડા ગામના પાંચ લોકોએ વીડિયો દ્વારા એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપમાં જોડાનાર લોકોની યાદીમાં તેમના નામ ખોટી રીતે લેવામાં આવ્યા છે. આ બાબતે સ્પષ્ટતા કરતા ડો. નરેશભાઈ ઠાકોરે કહ્યું કે, આ માત્ર ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ છે. ભાજપમાં જે લોકો જોડાયા છે તેઓ સ્વેચ્છાએ અને વિકાસની રાજનીતિથી પ્રેરિત થઈને આવ્યા છે. કોંગ્રેસના કાર્યકરો પોતાના સાથીઓને રોકવામાં નિષ્ફળ જતા હવે આવા જૂઠાણાં ફેલાવી રહ્યા છે.
ચૂંટણી પહેલા વાવનું રાજકારણ ગરમાયું
વાવ વિધાનસભાની પેટાચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારના નિવેદનબાજીએ રાજકીય વાતાવરણને ગરમ બનાવ્યું છે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર વિકાસના મુદ્દે જનતા પાસે જશે અને કોંગ્રેસના આવા નકારાત્મક પ્રચારનો જવાબ આપશે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First