Dailyhunt
VIDEO : UP ના રામપુરમાં SP ની વિદાય વખતે સર્જાયા ભાવુક દ્રશ્યો, મહિલા પોલીસ કર્મીઓ ધ્રુસકે ધ્રુસકે રડી

VIDEO : UP ના રામપુરમાં SP ની વિદાય વખતે સર્જાયા ભાવુક દ્રશ્યો, મહિલા પોલીસ કર્મીઓ ધ્રુસકે ધ્રુસકે રડી

Gujarat First 2 weeks ago
  • "રોતે નહીં બેટા, આતા રહૂંગા!" - Rampur SP ની ભાવુક વિદાય
  • રામપુર એસપી વિદ્યાસાગર મિશ્રની બદલીના ભાવુક દ્રશ્યો
  • વિદાય સમારોહમાં મહિલા પોલીસકર્મીઓ ચોધાર આંસુએ રડી પડી
  • "સર મત જાઈએ" કહીને સ્ટાફે એસપીને રોકવા કરી વિનંતી
  • દીકરીની જેમ મહિલા સિપાહીને માથે હાથ મૂકી અધિકારીએ આપ્યું આશ્વાસન
  • સોશિયલ મીડિયા પર પોલીસ અધિકારીની માનવતાનો વીડિયો વાયરલ

ઉત્તર પ્રદેશના રામપુર (Rampur) જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસ અધિક્ષક (SP) તરીકે ફરજ બજાવતા વિદ્યાસાગર મિશ્રની વિદાય વેળાએ રામપુર પોલીસ લાઈન (Police Line) એક અનોખા ભાવવિશ્વનું સાક્ષી બન્યું હતું. સામાન્ય રીતે પોલીસ અધિકારીની બદલી (Transfer) થતી હોય ત્યારે ઔપચારિક વિદાય સમારોહ યોજાતા હોય છે, પરંતુ અહીં દ્રશ્યો કંઈક જુદા જ હતા. શિસ્ત અને કાયદાનું પાલન કરાવતી ખાખી વર્દી પાછળ એક સંવેદનશીલ હૃદય પણ ધબકે છે, તેની પ્રતીતિ આ ઘટનાએ કરાવી દીધી.

"રડશો નહીં બેટા, હું આવતો રહીશ"

વિદ્યાસાગર મિશ્રની બદલી સીતાપુર (Sitapur) પીએસીમાં સેનાનાયક તરીકે કરવામાં આવી છે. વિદાય સમારોહના અંતે જ્યારે તેઓ પોતાના સ્ટાફ અને ખાસ કરીને મહિલા પોલીસકર્મીઓ (Women Police) પાસે પહોંચ્યા, ત્યારે માહોલ ગમગીન બની ગયો હતો. મહિલા સિપાહીઓ પોતાના લોકપ્રિય અધિકારીને વિદાય આપતા સમયે ભાવુક થઈ ગઈ હતી. અનેક મહિલા પોલીસકર્મીઓની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા.

Rampur માં SP લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહીં

જ્યારે એક મહિલા પોલીસને રડતા રડતા કહ્યું કે "સર, તમે ન જાઓ…", ત્યારે એસપી વિદ્યાસાગર મિશ્ર પોતે પણ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહીં. તેમણે અત્યંત સ્નેહ અને પિતાતુલ્ય હેત સાથે મહિલા પોલીસના માથા પર હાથ મૂક્યો અને આશ્વાસન આપતા કહ્યું, "રોતે નહીં બેટા, મેં આતા રહૂંગા…" આ શબ્દોમાં માત્ર એક અધિકારીનો આદેશ નહીં, પણ એક વડીલની મમતા છલકાતી હતી.


તનુ અને અન્ય પોલીસકર્મીઓ સાથેનો અતૂટ નાતો

આ ઘટના દરમિયાન એસપીએ 'તનુ' નામની મહિલા સિપાહીને બોલાવીને તેને શાંત પાડી હતી. તેમણે દરેક કર્મચારી સાથે જે રીતે પારિવારિક સંબંધો કેળવ્યા હતા, તેની ઝલક આ વિદાયમાં સ્પષ્ટ જોવા મળી હતી. સમારોહમાં હાજર અન્ય પુરુષ પોલીસકર્મીઓની આંખો પણ ભીની હતી. સ્ટાફે જણાવ્યું હતું કે વિદ્યાસાગર મિશ્ર કામમાં જેટલા કડક અને શિસ્તબદ્ધ હતા, એટલા જ તેઓ પોતાના કર્મચારીઓની સુખાકારી માટે ચિંતિત રહેતા હતા.

સોશિયલ મીડિયા પર આ વિદાયનો વિડિયો (Viral Video) ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે જો કોઈ અધિકારી જનતા અને પોતાના સ્ટાફના હૃદયમાં સ્થાન બનાવી લે, તો તેની વિદાય આવી જ ગમગીન હોય છે. રામપુર પોલીસનો આ વિડિયો પોલીસ વિભાગની એક સકારાત્મક અને માનવીય છબી લોકો સમક્ષ રજૂ કરે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First