બોલિવુડ સ્ટાર આમિર ખાન આ વર્ષે ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે. 61 વર્ષીય અભિનેતા ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરશે, જેને તે બે વર્ષથી ડેટ કરી રહ્યો છે. સૂત્રોએ પુષ્ટિ આપી છે કે છેલ્લા એક વર્ષથી સાથે રહેતા બન્ને 5 જુલાઈએ એક ખાનગી સમારોહમાં લગ્ન કરશે. જેમાં તેમના બંને પરિવારો ખાસ પ્રસંગ માટે હાજર રહેશે. આમિર અને ગૌરીએ 2024 ની શરૂૂઆતમાં ડેટિંગ શરૂૂ કરી હતી.
જ્યારે તેઓ બેંગલુરુમાં તેમના પિતરાઇ ભાઇ નુઝહત ખાન દ્વારા મળ્યા હતા.
આમિરે તેના 60 માં જન્મદિવસ પર સત્તાવાર રીતે તેને તેના પાર્ટનર તરીકે રજૂ કરી હતી. બેંગલુરુમાં એક સલૂન ચેઇનમાં કામ કરતી ગૌરી હવે આમિરના બેનર આમિર ખાન પ્રોડક્શનમાં કામ કરે છે. આમિર ખાને સૌ પહેલા રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. 1986થી 2001 સુધી સાથે રહ્યા હતા. તેમને બે બાળકો છે - ઇરા ખાન અને અભિનેતા જુનૈદ ખાન. આ પછી આમિરે બીજા લગ્ન ડાયરેક્ટર કિરણ રાવ સાથે કર્યા હતા. આ લગ્ન 2005 થી 2021 સુધી 16 વર્ષ સુધી રહ્યા હતા. બન્નેને એક પુત્ર આઝાદ છે. બીજી તરફ ગૌરીને પણ તેના અગાઉના લગ્નથી એક પુત્ર છે.
આ સમારોહ આમિરના નિવાસસ્થાને યોજાવાની સંભાવના છે. કોઈ મોટી ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું નથી. મહેમાનોની યાદી હજુ સુધી સામે આવી નથી. રિપોર્ટ પ્રમાણે સલમાન ખાન અને શાહરૂૂખ ખાનને કોઇ ફિલ્મનું શેડ્યૂલ નહીં હોય તો સમારોહમાં હાજર રહી શકે છે. આમિર ખાને 2025 માં તેના 60માં જન્મદિવસ પર ગૌરીનો જાહેરમાં મીડિયા સાથે પરિચય કરાવ્યો હતો, પરંતુ તેમનો પરિચય દાયકાઓ જૂનો છે. ડેટિંગ શરૂૂ કરતા પહેલા બંને લગભગ 25 વર્ષ સુધી એકબીજાને જાણતા હોવાના અહેવાલ છે. ગૌરી એક પ્રતિષ્ઠિત કૌટુંબિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેના દાદા ફિલિપ સ્પ્રેટ બ્રિટીશમાં જન્મેલા સામ્યવાદી હતા. જેઓ 1920ના દાયકામાં ભારત આવ્યા હતા અને બાદમાં દેશની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો.

