સ્થાનિકો દ્વારા ભારે શોધખોળ બાદ રૂપાવો નદીમાંથી મૃતદેહ મળ્યો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક નદી-નાળા છલકાઈ ગયા છે. આ દરમિયાન ઓથા ગામ નજીક આવેલી ડોંગી નદીના ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી ગયા હતા અને ભારે જહેમત ઉઠાવીને કારમાં સવાર તમામ મુસાફરોને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા, જેથી તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.
બીજી તરફ, આ જ ભારે વરસાદના પગલે કોંજળી ગામના રહેવાસી ભીખાભાઈ કાનજીભાઈ બાવળીયા (ઉંમર વર્ષ 70) નદીમાંથી રસ્તો પસાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક પગ લપસી જતાં તેઓ પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા શોધખોળ શરૂૂ કરવામાં આવી હતી. ત્યારબાદ શોધખોળ દરમિયાન કોંજળી પેટ્રોલ પંપ પાસે આવેલ રૂૂપાવો નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જવાબદાર તંત્રને જાણ કરાતાં અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પી.એમ. (પોસ્ટમોર્ટમ) સુધીની આગળની કાયદેસરની કામગીરી હાથ ધરી હતી.
બીજી બાજુ, હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આજે અને કાલે એમ બે દિવસ ભાવનગર જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ પવન સાથે અત્યંત ભારે વરસાદ પડી શકે છે, જેને પગલે તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
