Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભાવનગરમાં 'ભુઇમાં'ના વેશમાં બીમાર લોકોને સાજા કરવાનો દાવો કરી રોકડ-દાગીના પડાવતી રાજકોટની મહિલા ઝડપાઇ

ભાવનગરમાં 'ભુઇમાં'ના વેશમાં બીમાર લોકોને સાજા કરવાનો દાવો કરી રોકડ-દાગીના પડાવતી રાજકોટની મહિલા ઝડપાઇ

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં પાંચ મહિના પૂર્વે એક મહિલાના ઘરે સાધુના વેશમાં આવી, માનસિક બીમારી સાજી કરવાના બહાને કેમિકલયુક્ત ગળ્યું પાણી પાઈ ₹65 હજારના સોનાના દાગીના અને ₹21 હજારની રોકડ લૂંટી ફરાર થઈ ગયેલી મહિલા આરોપી માધુરીબેન સંજયનાથ પરમારને લોકલ ક્રાઈમ બ્રાંચે (LCB) ભરતનગરના લાલા બાપા ચોક પાસેથી ઝડપી પાડી છે.

સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે પકડાયેલી આ મહિલાએ પૂછપરછમાં ગુનાની કબૂલાત આપતાં જણાવ્યું છે કે તેણે લૂંટેલા દાગીના મહુવાની સોની બજારમાં વેચી દીધા હતા.

ભાવનગર ક્રાઈમ બ્રાંચે આ અનડિટેક્ટ ગુનાનો પર્દાફાશ કરીને આરોપી મહિલાને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભરતનગર પોલીસ મથકને સોંપી દીધી છે.આ ચકચારી બનાવની વિગત એવી છે કે ભરતનગર વિસ્તારમાં રહેતા એક મહિલાના ઘરે સાધુના વેશમાં આવેલી અજાણી મહિલાએ માતાજીની માનતાના નામે ભિક્ષા માંગી હતી.

ફરિયાદી મહિલાએ તેને ₹50 આપ્યા બાદ પોતાની દીકરી માનસિક રીતે બીમાર અને મૂંગી હોવાની વાત કરી હતી. આ સાંભળી સાધુ વેશધારી મહિલા ધૂણવા લાગી હતી અને દીકરી એક મહિનામાં બોલતી થઈ જશે તેવો દાવો કર્યો હતો.તેણે પોતાના હાથમાં સેકરીન સુગર (કૃત્રિમ ગળપણ) લગાડીને બનાવેલું ગળ્યું પાણી ફરિયાદીને પીવડાવી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ તે ફરિયાદી પાસેથી સોનાનો સેટ, બુટ્ટી-સર, બે વીંટી અને સોનાની ચેઈન-પેન્ડલ (કુલ કિંમત ₹65,000) તથા ₹21,000 રોકડા લઈને રફુચક્કર થઈ ગઈ હતી.છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 318(4) હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ વણઉકેલાયેલા કેસની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં એક શંકાસ્પદ મહિલા નજરે પડી હતી. આ ફોટોગ્રાફ્સના આધારે તપાસ કરતા ભરતનગરના લાલા બાપા ચોક પાસેથી આરોપી માધુરીબેન સંજયનાથ મંગાનાથ પરમાર (ઉં.વ. 38, હાલ રહે. કોઠારીયા ગામ, રાજકોટ; મૂળ રહે. મોટા ખૂંટવડા, તા. મહુવા) મળી આવી હતી.

એલ.સી.બી. (LCB) ઓફિસે લાવીને કરાયેલી સઘન પૂછપરછમાં આ મહિલાની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી અને ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. મહિલા પોતાના ભાઈના ઘરે દીકરો આવ્યો હોવાથી રાંદલ માતાની માનતા કરવાના બહાને લોકોના ઘરે જતી હતી. હાથમાં સેકરીન સુગર લગાડીને તેનું ગળ્યું પાણી પીવડાવી લોકોને સંમોહિત કે વિશ્વાસમાં લઈ સોના-ચાંદીના દાગીના અને રોકડ પડાવી લેતી હતી.

પોલીસ રેકોર્ડ તપાસતા માલૂમ પડ્યું છે કે આ પકડાયેલી મહિલા આરોપી સામે અગાઉ પણ દાઠા તેમજ કોડીનાર પોલીસ મથકમાં આ જ પ્રકારના છેતરપિંડીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ ક્રાઈમ બ્રાંચે ગુનાનો મુદ્દામાલ રિકવર કરવા અને સોની બજારના વેપારીની ભૂમિકા તપાસવા માટે આરોપીને સ્થાનિક પોલીસના હવાલે કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati