Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભૂંડના ટોળાએ મગફળીના પાકનો સોંથ વાળી દીધો

ભૂંડના ટોળાએ મગફળીના પાકનો સોંથ વાળી દીધો

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં આવેલા ચુલડી ગામે છેલ્લા કેટલાક સમયથી ભૂંડના વધતા જતા ત્રાસના કારણે ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ચુલડી ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં અંદાજે 200 થી 250 જેટલા જંગલી ભૂંડના ટોળાં ખેતરોમાં ઘૂસીને ઊભા મોલને રફેદફે કરી રહ્યા છે. વરસાદ આધારિત ખેતી કરતા સ્થાનિક ખેડૂતો માટે વર્ષ દરમિયાન ચોમાસાની આ એક જ મુખ્ય રોકડિયા પાકની સીઝન હોય છે, જેમાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને મજૂરી પાછળ પ્રતિ વીઘે અંદાજે ₹35 થી ₹40 હજારનો જંગી ખર્ચ કર્યો હતો.

ચારથી પાંચ વીઘા જેટલા ખેતરોમાં લહેરાતો મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જતાં ખેડૂતો માથે મોટું આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. અગાઉ પણ વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન સમક્ષ લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે ભૂંડ ભગાડવા કે પકડવાની કોશિશ દરમિયાન અગાઉ ખેડૂતો સામે જ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

જો હવે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સ્થળ સર્વે કરી યોગ્ય વળતર નહીં અપાય અને કાયમી ઉકેલ નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ચુલડી ગામના સરપંચ દેવાયતભાઈ નંદાણીયાએ સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ખેતરમાં જઈને જોતાં 5 વીઘાની મગફળીનો પાક ભૂંડોએ સંપૂર્ણપણે ઉખેડીને ફાડી નાખ્યો છે, જેમાં હવે ઉત્પાદન મળવાની કોઈ આશા રહી નથી. અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં લેખિત રજૂઆત કરી વળતરની માંગ કરી છે. ગામના સીમમાં આશરે 200 થી 250 ભૂંડનો ઘેરો છે. ખેડૂતોએ 70-80 હજાર રૂૂપિયા ખર્ચીને વંડી અને ફેન્સિંગ કરાવી હોવા છતાં આ ટોળાં ખેતરો ધમરોળી નાખે છે. અમે પણ જીવદયા પ્રેમી છીએ, પરંતુ ખેડૂત અને વન્યજીવ બંનેનું સંતુલન જળવાય તેવો નીતિવિષયક નિર્ણય સરકારે તાકીદે લેવો જોઈએ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati