Dailyhunt
ગોંડલ ચોકડી પાસે 'હિટ એન્ડ રન' : અજાણ્યા વાહનની ઠોકરે રસ્તો ઓળંગતા યુવાનનું મોત

ગોંડલ ચોકડી પાસે 'હિટ એન્ડ રન' : અજાણ્યા વાહનની ઠોકરે રસ્તો ઓળંગતા યુવાનનું મોત

રૈયાધારનું દંપતી અને પુત્ર શાપર સંબંધીના ઘરે જતાં હતાં, પરિવારમાં શોક

શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતા ગોંડલ રોડ ચોકડી પાસે આજે બપોરના સુમારે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 42 વર્ષીય બાબુભાઈ જીવાભાઇ પરમાર રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં બાબુભાઈને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવા છતાં, ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને તેમણે અંતિમ શ્વાસ લેતા પરમાર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

ઘટનાની વિગત મુજબ, બાબુભાઈ પરમાર આજે બપોરે આશરે 1:30 વાગ્યાની આસપાસ તેમના પત્ની અને પુત્રો સાથે શાપર ખાતે રહેતા પોતાના સંબંધીના ઘરે જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે ગોંડલ રોડ ચોકડી પાસે પુલ નીચે સર્વિસ રોડ પરથી ચાલીને રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા બાઈક ચાલકે બાબુભાઈને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાબુભાઈ રોડ પર પટકાયા હતા અને તેમના પરિવારની નજર સામે જ લોહીલુહાણ હાલતમાં મુકાયા હતા. અકસ્માત સર્જીને બાઈક ચાલક પોતાની મોટરસાયકલ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત બાબુભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, વિધિની વક્રતા એવી રહી કે તબીબોના તમામ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહોતા અને ચાલુ સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતક બાબુભાઈ વ્યવસાયે કડિયા કામ કરતા હતા અને તેમના જવાથી પરિવારનો આધાર છીનવાઈ ગયો છે. આ મામલે પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. એક સામાન્ય પરિવાર માટે સંબંધીને મળવા જવાની ખુશી પળવારમાં જ માતમના સમાચારમાં ફેરવાઈ ગઈ હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati