Dailyhunt
ગોંડલમાં દારૂડિયા આઇસર ચાલકે સરકારી હોસ્પિટલની દીવાલ તોડી, વાહનોને પણ ઉલાળ્યા

ગોંડલમાં દારૂડિયા આઇસર ચાલકે સરકારી હોસ્પિટલની દીવાલ તોડી, વાહનોને પણ ઉલાળ્યા

ગોંડલની સિવિલ હોસ્પિટલ પાસે આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલની બહાર ઉભેલા એક આઈસર ટ્રકને નશાની હાલતમાં આવેલા અજાણ્યા શખ્સે અચાનક ચાલુ કરી ભગાવવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં હોસ્પિટલની દીવાલ ધરાશાયી થઈ છે અને અનેક વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલની સામે GJ-15-X-1440 નંબરના આઈસર ટ્રકના ચાલકના બનેવી તેમાં ભંગાર ભરી રહ્યો હતો.

આ દરમિયાન ગાડી બંધ હાલતમાં હતી. અચાનક એક નશાખોર શખ્સ ત્યાં આવી ચડ્યો હતો અને તેણે આઈસર ચાલુ કરી તેને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આઇસર ડ્રાઈવર ના બનેવી અજય સોલંકી પણ સ્તબ્ધ રહી ગયો હતો કે બંધ ગાડી આ શખ્સે કઈ રીતે ચાલુ કરી દીધી.

નશામાં ધૂત શખ્સે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આઈસર સીધું જ સિવિલ હોસ્પિટલની દીવાલ તોડીને અંદર ઘૂસી ગયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે દીવાલ પડવાને કારણે અંદર પાર્ક કરેલી એમ્બ્યુલન્સ પર કાટમાળ પડ્યો હતો.

હોસ્પિટલ બહાર આવેલી એક કેબીન અને બે એક્ટિવા સવાર વાહનોને પણ આઈસરે હડફેટે લીધા હતા. હોસ્પિટલના પાર્કિંગમાં પડેલા અન્ય વાહનોનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ પાર્કિંગ પાસે લોકોની મોટી ભીડ હોય છે, પરંતુ સદનસીબે આ અકસ્માત સમયે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, જે એક ચમત્કાર સમાન છે.

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગોંડલ શહેર એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે નશાખોર શખ્સને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati