ગોંડલ તાલુકા પોલીસ દ્વારા પ્રોહિબિશનની કડક અમલવારીના ભાગરૂૂપે ગોંડલ નજીક આવેલા દેવચડી ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો છે. પોલીસે નદીના કાંઠે ખરાબાની જમીનમાં ચલાવવામાં આવતી દેશી દારૂૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. જોકે, પોલીસની રેડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો.
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજયસિંહ પ્રવિણસિંહ ઝાલા તથા અન્ય પોલીસ સ્ટાફ પ્રોહીબિશન અને જુગાર અંગેની કામગીરી સબબ પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન દેવચડી ગામના બસ સ્ટેશન પાસે તેમને ખાનગી બાતમી મળી હતી કે, મૂળ દેવચડીનો અને હાલ ગોંડલ રહેતો પ્રદિપસિંહ કિરીટસિંહ ચુડાસમા નદીના કાંઠે ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે. આ માહિતીના આધારે પોલીસે 03 જૂન 2026 ના રોજ સાંજે 17:00 વાગ્યે પંચોને સાથે રાખીને દરોડો પાડ્યો હતો.
પોલીસને ઘટનાસ્થળેથી દેશી દારૂૂ બનાવવાની બંધ હાલતમાં ભઠ્ઠી મળી આવી હતી, જેમાં પથ્થરની ચૂલ પર લોખંડના બેરલ ચડાવેલા હતા. સ્થળ પરથી પ્લાસ્ટિકના 8 બેરલોમાં ભરેલો કુલ 1600 લિટર ઠંડો આથો (પીળા કલરનું પ્રવાહી) મળી આવ્યો હતો. આ આથાની કિંમત રૂૂ. 40,000 ગણવામાં આવી છે. પોલીસે આ આથાનો સ્થળ પર જ ઢોળીને નાશ કર્યો હતો.
ઠંડા આથાના 200 લિટરની ક્ષમતાવાળા 8 પ્લાસ્ટિકના બેરલ અને પાણીના 2 બેરલ મળી આવ્યા હતા. આ બેરલો હેરવી-ફેરવી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી તેનો પણ સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ભઠ્ઠી ચલાવવા માટે ઉપયોગમાં લેવાયેલા લોખંડના 2 બેરલ અને નળીઓ મળી આવી હતી, જેની કિંમત રૂૂ. 2000 ગણીને કબજે કરવામાં આવી છે. ભઠ્ઠી નીચે આગ લગાવવા માટે વપરાતી બે ઇલેક્ટ્રિક ફૂંકણીઓ મળી આવી હતી. આ ફૂંકણીઓની કિંમત રૂૂ. 2000 ગણીને જપ્ત કરવામાં આવી છે. એફ.એસ.એલ.(FSL) તપાસ અર્થે પ્રમાણસર આથો કાઢીને તેમાં મોરથુથુ નાખીને સીલબંધ સેમ્પલ લેવામાં આવ્યું છે.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે આથો અને સાધનો મળીને કુલ રૂૂ. 44,000 ના મુદ્દામાલ પર કાર્યવાહી કરી છે. આરોપી પ્રદિપસિંહ કિરીટસિંહ ચુડાસમા રેડ દરમિયાન હાજર ન મળતા તેને અટક કરવા પર બાકી રાખવામાં આવ્યો છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એફ) હેઠળ 3 જૂન 2026ના રોજ સાંજે 19:00 કલાકે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રવિરાજસિંહ મહાવિરસિંહ સરવૈયા ચલાવી રહ્યા છે.
