Dailyhunt
ગોંડલના વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ

ગોંડલના વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ

વ લાખ ધંધા માટે લીધા બાદ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી

ગોંડલ શહેરમાં વ્યાજખોરીનો દૂષણ દિન-પ્રતિદિન વકરી રહ્યું હોય તેમ વધુ એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. ગોંડલની રાધા પાર્ક સોસાયટીમાં રહેતા અને શહેરની જાણીતી મોટી બજારમાં 'જરિયા એન્ડ સન્સ' નામની સોનીની દુકાન ધરાવતા 52 વર્ષીય નિલેશભાઈ શાંતિભાઈ જરિયાએ આજે સવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું.

આ ઘટનાની જાણ પરિવારજનોને થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ વેપારીની હાલત ગંભીર જણાતા તબીબો દ્વારા તેમની સઘન સારવાર શરૂૂ કરવામાં આવી છે.

આ ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ, નિલેશભાઈએ પોતાના ધંધાના વિકાસ માટે નીતિન, કિશોર અને હિરેન નામના ત્રણ શખ્સો પાસેથી કુલ નવ લાખ રૂૂપિયા વ્યાજે લીધા હતા. જોકે, આ રકમ ચૂકવ્યા બાદ પણ આ વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આ શખ્સો અવારનવાર વેપારીને ધમકી આપતા હોવાથી તેઓ માનસિક દબાણમાં હતા અને અંતે કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે હોસ્પિટલ પહોંચીને વેપારીનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા તેજ બનાવી છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં વ્યાજખોરોના આતંકને ડામવા માટે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા હાલમાં જ બે દિવસીય લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર જ્યારે વ્યાજખોરો સામે કડક ઝુંબેશ ચલાવી રહ્યું છે અને લોકોને નીડર બનીને ફરિયાદ કરવા અપીલ કરી રહ્યું છે, ત્યારે જ ગોંડલના વેપારીએ આ રીતે પગલું ભરતા અનેક સવાલો ઊભા થયા છે. શું વ્યાજખોરોને પોલીસનો જરા પણ ડર રહ્યો નથી? તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે. હાલમાં પોલીસ આ ત્રણેય શખ્સોની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati