Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગરમાં રિક્ષાચાલક અને તેની પ્રેમિકા વચ્ચે થઇ સશસ્ત્ર મારામારી

જામનગરમાં રિક્ષાચાલક અને તેની પ્રેમિકા વચ્ચે થઇ સશસ્ત્ર મારામારી

જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક અને પરણિત મહિલા વચ્ચે છેલ્લા બે-ત્રણ મહિનાથી પ્રેમ સંબંધ ચાલતા હોવાનું સામે આવ્યું છે. દરમિયાન બંને વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સીટી-સી ડિવિઝન પોલીસ મથકે સામસામે ફરિયાદો નોંધાતા વિસ્તારમાં ચર્ચા જાગી છે.

પ્રથમ બનાવમાં ગોકુલનગર પાણાખાણ શેરી નંબર-7માં રહેતી કમળાબેન મહેન્દ્રભાઈ ગોરી (ઉ.વ.44)એ સીટી-સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેમને પ્રિતેશભાઈ બિપીનભાઈ ગોસ્વામી સાથે છેલ્લા કેટલાક મહિનાથી સંબંધ હતો અને બંને સાથે રહેતા હતા.

દરમિયાન તા.25 મેના રોજ બપોરના સમયે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન પ્રિતેશભાઈએ કમળાબેનને ગાળો આપી તેમના માથાના ભાગે પાઇપ મારી દેતાં લોહી નીકળતી ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી તરફ રિક્ષાચાલક પ્રિતેશભાઈ બિપીનભાઈ ગોસ્વામીએ પણ સામસામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ કમળાબેનના પુત્ર ક્રિષ્નાભાઈ મહેન્દ્રભાઈ ગોરી તેમજ ભલો અને પ્રથમ નામના બે શખ્સોએ પ્રિતેશભાઈ સાથે ઝઘડો કરી ગાળો આપી હતી. ત્યારબાદ ત્રણેય જણાએ મળીને પ્રિતેશભાઈના માથા અને કપાળના ભાગે છરીના ઘા મારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત તેમની રિક્ષાના કાચ તોડી નુકસાન પહોંચાડ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બંને બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકના મહિલા પી.એસ.આઈ. એમ.વી. દવે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામજોધપુરના ગિંગણી ગામની પરણીતા ભાઈના ઘરે જવાનું કહી લાપતા
જામજોધપુર તાલુકાના ગિંગણી ગામમાં રહેતી 28 વર્ષની પરણીતા અચાનક લાપતા થઈ જતાં પરિવારજનો ચિંતિત બન્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ગીંગણી ગામમાં રહેતી પરણીતા સનીલાલ ઉર્ફે સુમિબેન રવિભાઈ ડાભી (28) પોતાના ભાઈના ઘરે જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ ત્યારબાદ તે પરત ફરી ન આવતા તેમજ તેનો કોઈ પતો ન મળતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.

ઘણા પ્રયત્નો છતાં મહિલાનો કોઈ અતો-પતો નહિ મળતાં તેણીના પતિ રવિભાઈ કાનજીભાઈ ડાભીએ જામજોધપુર પોલીસ મથકે પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુમશુદગીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મહિલાની શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati