જામનગર શહેરના પંચ-બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ન્યુએરા ક્ધસ્ટ્રક્શન સાઇટ મામલે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધમકીના બનાવ બાદ બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદો નોંધાવવામાં આવતા પોલીસે ક્રોસ ગુનાઓ દાખલ કર્યા છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પ્રથમ બનાવ તા.18ના રોજ સાંજના સમયે દરેડ ફેઝ-3 વિસ્તારમાં આવેલી અપના ઇમ્પેક્સ ઓફિસ તેમજ મસીતીયા ગામની સીમમાં આવેલી ન્યુએરા ક્ધસ્ટ્રક્શન સાઇટ ખાતે બન્યો હતો.
ફરિયાદી અશોકભાઈ દેવશીભાઈ અકબરીએ આરોપી અહેમદ ઇકબાલભાઈ ખફી તથા અન્ય સામે ન્યુએરા સાઇટ પર ન આવવા ધમકી આપવી, બોલાચાલી કરવી તેમજ ઉશ્કેરણી કરવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ, મસીતીયા ગામના રહેવાસી અહેમદ ઇકબાલભાઈ ખફીએ પણ પંચ-બી ડિવિઝન પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે તેઓ પોતાના મોટા બાપુજીની ન્યુએરા સાઇટ પર ચોકીદારને પગાર આપવા ગયા હતા ત્યારે અશોકભાઈ અકબરીએ તેમને સ્થળ પરથી જવા માટે ધમકી આપી હતી. ઉપરાંત પોલીસ સ્ટેશન ખાતે પણ અપમાનજનક શબ્દો બોલી ઉશ્કેરણી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બંને ફરિયાદોના આધારે પંચ-બી ડિવિઝન પોલીસે અલગ અલગ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર શહેરના સજા વોરંટમાં નાસતી ફરતી મહિલા આરોપી પકડાઇ
જામનગર શહેરના સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન ની પોલીસ ટિમ દ્વારા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબના સજા વોરંટમાં નાસ્તા ફરતા મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડાભીની સૂચના હેઠળ સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહીમાં ચોથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના ફોજદારી કેસ માં સજા વોરંટ હેઠળ નાસ્તા ફરતા આરોપી સોનલબેન સામજીભાઈ વાઘેલા, રહે.દિગ્વિજયપ્લોટ, ન્યુ જેલ પાછળ, જામનગરને ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી સીટી-સી ડિવિઝન પોલીસ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
