Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગર-રાજકોટ હાઈ-વે પર યુવાનનો જીવ લઈ નાસી છૂટેલો કાર ચાલક પકડાયો

જામનગર-રાજકોટ હાઈ-વે પર યુવાનનો જીવ લઈ નાસી છૂટેલો કાર ચાલક પકડાયો

હીટ એન્ડ રનની ઘટનામાં પોલીસને સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સથી મળી સફળતા

જામનગર જિલ્લાના રાજકોટ-જામનગર હાઇવે રોડ પર રાધિકા હોટલ સામે બનેલા ગંભીર ફેટલ અકસ્માતના બનાવમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી પંચકોષી 'એ' ડિવિઝન પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહનચાલકની ધરપકડ કરી નોંધપાત્ર સફળતા મેળવી છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદા તથા પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. શેખના માર્ગદર્શન મુજબ આ ગુનાની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કલમ 281, 125(એ), 106(1) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. અકસ્માત સર્જનાર વાહન અને તેના ચાલકની ઓળખ અંગે કોઈ માહિતી ન હોવાથી ગુનો અનડિટેક્ટ હતો.

તપાસ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. આર. પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ આર. ઘાઘરેટીયા તથા પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ એ. ખીમાણીયાએ ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર વાહન કાળા રંગની ફોર વ્હીલ કાર હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ જામનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સહયોગથી શહેર અને આસપાસના વિસ્તારોના વિવિધ સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. ટેકનિકલ વિશ્ર્લેષણ દરમિયાન શંકાસ્પદ ક્રેટા કાર નંબર જી.જે. 10 સી.જી. 9709 ઓળખવામાં આવી હતી. વધુ તપાસ માટે પોકેટકોપ મોબાઇલ એપ્લિકેશનની મદદથી વાહન માલિકની વિગતો મેળવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે આ જ ક્રેટા કારના ચાલકે અકસ્માત સર્જી એક વ્યક્તિને હડફેટે લઈ તેનું મોત નીપજાવ્યું હતું અને બાદમાં સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પુરાવાઓના આધારે પોલીસે આરોપી વિજયભાઈ કરશનભાઈ કરમુર, (રહે. ધરમપુર ગામ, તા. લાલપુર,)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati