જન્માષ્ટમીનાં તહેવાર દરમિયાન જાહેર જનતાને ફરસાણ, મીઠાઈ તથા લાઈવ ગાંઠીયા વ્યાજબી ભાવે મળી શકે તે હેતુથી આજ તા.27ના રોજ મામલતદાર કચેરી દક્ષિણ ખાતે અધિકારીઓ તથા ફરસાણનાં વેપારીઓની બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ તથા જિલ્લા પુરવઠા અધિકારીની સુચનાનુસાર યોજાયેલ આ બેઠકમાં મામલતદાર શહેર પશ્ચિમ, મામલતદાર શહેર પુર્વ તથા મામલતદાર શહેર દક્ષિણ અને ફરસાણ એસોસિએશનના પ્રમુખ પંકજકુમાર જોબનપુત્રા તેમજ અન્ય વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જેમાં તા.01 સપ્ટેમ્બરથી તા.06 સપ્ટેમ્બર દરમિયાન તહેવાર નિમિત્તે તેલનાં પ્રકાર પ્રમાણે પ્રવર્તમાન બજાર ભાવ કરતા નીચા ભાવે ફરસાણ તથા મીઠાઈનું વેચાણ કરવા વેપારીઓએ સર્વ સમંતિ આપી હતી.
આ ઉપરાંત જાહેર જનતાના આરોગ્યને અનુલક્ષીને અધ્યક્ષસ્થાનેથી વેપારીઓને દુકાનો પર સ્વચ્છતા જાળવવા, દાજીયા તેલનો ઉપયોગ નિયમોની મર્યાદામાં કરવા, તેમજ ફરસાણમાં સોડીયમ કાર્બોનેટ (ધોવાનો સોડા) તેમજ હાનિકારક રંગીન દ્રવ્ય વાપરવામાં ન આવે, જનતાને ગુણવતાયુક્ત ફરસાણ અને મીઠાઈ મળી રહે તેની તકેદારી રાખવા અંગે વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
ફરસાણ અને મીઠાઈનાં નક્કી કરાયેલા ભાવ પ્રમાણે સીંગતેલનાં લાઈવ ગાંઠીયાનાં કિલોનો ભાવ હાલ રૂૂ. 800 છે, જે આ તહેવાર દરમિયાન રૂૂ. 740 તથા ફરસાણનો ભાવ જે હાલ રૂૂ. 660 છે તે રૂૂ. 620 રહેશે. સાથે સાથે કપાસિયા તેલનાં લાઈવ ગાંઠીયા કિલોનાં રૂૂ. 560 તથા ફરસાણ 440 રૂૂપિયા કિલો તથા પામોલીન તેલનાં લાઈવ ગાંઠિયાનો ભાવ પ્રતિ કિલો રૂૂ. 480 તથા ફરસાણનો ભાવ રૂૂ. 350 રહેશે. આ ઉપરાંત બુંદી લાડુ, લાસા લાડુ તથા મીઠી બુંદીનો પ્રવર્તમાન ભાવ રૂૂ. 320 છે, જે તહેવાર દરમિયાન 280 રૂૂપિયાનાં કિલો લેખે વેચાણ કરવાનો નિર્ણય લેવાયો છે. મોહનથાળ અને મૈસુબ ટોપરાના લોટનો રૂૂ.320 તથા ચણાના લોટનો રૂૂ.280માં રાહતદરે વેચાણ કરાશે.

