Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કોડીનાર તાલુકાના આલીદર ગામની મહિલા સાથે લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો

કોડીનાર તાલુકાના આલીદર ગામની મહિલા સાથે લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો

કોડીનાર તાલુકાના આલીદર ગામની એક મહિલા માટે અજાણ્યા ઇકો કાર ચાલક સાથે મુસાફરી કરવાનો નિર્ણય ભારે સાબિત થયો હતો. બે દિવસ પૂર્વે કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામના બસ સ્ટેન્ડમાં આલીદર જવા માટે બસની રાહ જોઈ રહેલા મહિલાએ કોડીનાર તરફથી આલીદર જવા માટે ઇકો કારમાં બેસ્યા બાદ મોરવડ ગામના બસ સ્ટોપથી થોડે આગળ આરોપીએ સૂમસામ જગ્યાએ વાહન ઉભું રાખ્યું હતું.

ત્યારબાદ મહિલાના ગળા પર છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ પ્રતિકાર કરતાં આરોપીએ તેમના ડાબા હાથની હથેળીમાં છરી મારી ઇજા પહોંચાડી હતી અને કાનમાં પહેરેલા અંદાજે એક તોલા વજનના સોનાના બૂટિયાં લૂંટી લીધા હતા. ત્યારબાદ મહિલાને રસ્તા પર ધક્કો મારી ઉતારી આરોપી ઇકો કાર લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી સમગ્ર કોડીનાર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને મહિલાઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન અને ડીવાયએસપી સી.સી. ખટાણાની દેખરેખ હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. હરિયાણીએ જાતે તપાસનો દોર સંભાળ્યો હતો. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘાટવડ-કંટાળા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાંથી પસાર થતી શંકાસ્પદ ઇકો કારને અટકાવી ચાલકની પૂછપરછ કરતાં થોરડી ગામના હાદીકભાઈ નાનજીભાઈ શિયાળ (ઉ.વ. 23)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછમાં ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે તેની પાસેથી રૂૂ. 1 લાખના સોનાના બૂટિયાં, ગુનામાં વપરાયેલી ઇકો કાર, છરી તથા મોબાઇલ મળી મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ અગાઉ મોબાઇલ એપ મારફતે લોન લીધી હતી. હપ્તા ભરવામાં મુશ્કેલી પડતાં પૈસાની જરૂૂરિયાત ઊભી થઈ હતી. હાલ ઇકો કાર ચલાવતો આરોપી એકલી મુસાફરી કરતી મહિલાના દાગીના જોઈ લાલચમાં આવી ગયો હતો અને પૂર્વ આયોજન વિના તકનો લાભ લઈ આ લૂંટને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.

આ સમગ્ર ઓપરેશનમાં પી.આઈ. એન.વી. હરિયાણીના નેતૃત્વ હેઠળ પી.એસ.આઈ. જી.એન. કાછડ, પી.એસ.આઈ. એમ.આર. બાંભણિયા, એ.એસ.આઈ. સહદેવસિંહ હરિસિંહ, એ.એસ.આઈ. પ્રદીપસિંહ હરિસિંહ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જેસીંગભાઈ, લલિતભાઈ બાવકાભાઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દિવસ-રાત સતત મહેનત કરી, ટેકનિકલ અને મેદાની તપાસના આધારે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી બજાવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati