Saturday, 28 Mar, 10.14 am ગુજરાત મિરર

હોમ
કોરોના વિપદામાં વકીલો પણ જોડાયા રાજકોટ સહિત રાજ્યના સરકારી વકીલોએ એક દિવસનો પગાર ફાળામાં આપ્યો

95 લાખની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવી
રાજકોટ તા.28
સમગ્ર દેશમાં કોરોનાવાયરસની મહામારી સામે પૂરી તાકાતથી એકજૂથ થઈને લડવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગત તારીખ 25 માર્ચથી આગામી 21 દિવસ સુધી દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. આ લોકડાઉનની સ્થિતિને પહોંચી વળવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જનતાને મુખ્યમંત્રી રાહત નિધિમાં ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ કર્યો છે જેના પરિણામ રૂપે આ મહામારી સામે લડવા રાજ્યમાંથી વિવિધ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, નાગરિકો અને વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીના આ અનુરોધના પગલે ગુજરાતના જિલ્લા અને તાલુકા કક્ષાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરજ બજાવતા મદદનીશ સરકારી વકીલોએ આગામી એપ્રિલ માસમાં એક દિવસનો પગાર એટલે કે કુલ રૂપિયા 95 લાખની રકમ મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવશે તેમ, કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી રાહત નિધિમાં કોરોના વાયરસ સંદર્ભે ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા તથા જિલ્લા સરકારી વકીલોની કચેરી દ્વારા 60,10,000/- તથા રાજ્યની વડી અદાલતના સરકારી વકીલની કચેરી દ્વારા 21,30,000/- અને તાલુકાના મદદનીશ સરકારી વકિલો દ્વારા (કર્મચારી) 13,60,000/- તેમ મળી કુલ રૂપિયા 95,00,000/- ની રકમ અર્પણ કરવામાં આવશે તેમ વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું.
કાયદા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના કાયદાશાસ્ત્રીઓએ પણ આ મહામારી સામે લડવા રાજ્યની જનતાની સેવા કરવા આ માનવીય અભિગમ અપનાવીને એક અનોખી પહેલ કરી છે. આ મહામારીને હરાવવાના વૈશ્વિક અભિયાનમાં રાજ્ય સરકારના નિર્ણયને ધી ગુજરાત રાજ્ય આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર અસોસિએશને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આ સિવાય પણ યથા શક્તિ મુજબ આર્થિક સહકાર આપવાનો આવકારદાયક નિર્ણય અસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે તેમ જણાવી વૈશ્વિક મહામારી સામે લડવા બદલ આર્થિક સહયોગ માટે અસોસિએશનના સર્વે હોદ્દેદારો તેમજ વકીલ મિત્રોનો કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્ય સરકાર વતી આભાર માન્યો હતો.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati
Top