રાજ્યમાં હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ જ વરસ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.
24 કલાકમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં નોંધાયો છે.
કપરાડામાં 2.52 ઇંચ, નાનાપોંઢામાં 2.13 ઇંચ અને ધરપુરમાં 1.65 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ખંભાતમાં 1.42 ઇંચ, ડાંગમાં 1.42 ઇંચ, ભરૂચમાં 1.26 ઇંચ, પાદરામાં 1.06 ઇંચ, વાપીમાં 1.06 ઇંચ અને ખેરગામમાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના 15થી 20 નોટની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જે વધીને 25 નોટ સુધી પહોંચી શકે છે. જેના કારણે દરિયો મધ્યમથી રફ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને માછીમારો સહિત દરિયાકાંઠાના લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.

