Dailyhunt
રોજગારીની શોધમાં આવેલા શ્રમિકે રાજકોટમાં ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો

રોજગારીની શોધમાં આવેલા શ્રમિકે રાજકોટમાં ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો

રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા હડાળા પાટીયા પાસે આજે બપોરના સમયે એક અત્યંત કરૂૂણ અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. વડોદરાથી પાંચ દિવસ પહેલા રોજગારી મેળવવાની આશા સાથે સૌરાષ્ટ્રની ધરતી પર પગ મૂકનાર 39 વર્ષીય જગદીશભાઈ રામદૂતપ્રસાદ જોશીએ આર્થિક તંગી અને કામ ન મળવાને કારણે સર્જાયેલી માનસિક અસ્વસ્થતામાં મોતની છલાંગ લગાવી દીધી હતી.

હડાળા પાટીયા પાસે આવેલી વિરાટ હોટલમાં આશરો લઈ રહેલા જગદીશભાઈ બપોરે 12:30 વાગ્યાની આસપાસ હોટલ પાસે ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે અચાનક સામેથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રક નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો.

આ ભયાનક અકસ્માતમાં જગદીશભાઈના બંને પગ કપાઈ ગયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક છેલ્લા પાંચ દિવસથી વડોદરાથી અહીં આવ્યા હતા અને સતત કામની શોધમાં ભટકતા હતા. લાંબા સમયની મહેનત છતાં કોઈ રોજગારી ન મળતા તેઓ હતાશામાં ગરકાવ થઈ ગયા હતા અને તેમની માનસિક સ્થિતિ પણ નબળી પડી હોવાનું જાણવા મળ્યું છે. આર્થિક સંકડામણ અને અનિશ્ચિત ભવિષ્યના ડરને કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ અકાળે અવસાનને કારણે એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે. જગદીશભાઈ પાછળ સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતકના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી છે. વડોદરાથી આશા સાથે નીકળેલા આ યુવાનનો દેહ હવે માદરે વતન પરત જશે, જેની જાણ થતા જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે હાલ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાયરલ થયેલા એક વીડિયોમાં લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા જગદીશભાઈ આસપાસના લોકોને કહી રહ્યા છે કે, "ગાડીવાળાનો કોઈ વાંક નથી, મેં મારી મરજીથી આપઘાત કર્યો છે." જ્યારે ત્યાં હાજર લોકોએ તેમને પૂછ્યું કે શું ડ્રાઈવરે તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે તેમણે હકારમાં જવાબ આપ્યો હતો અને વારંવાર વિનંતી કરી હતી કે ડ્રાઈવર વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ ન કરવામાં આવે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati