સુપ્રીમ કોર્ટે આંદોલનકારીઓ સામે દાખલ કરવામાં આવેલી એફઆઇઆર રદ્દ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યા બાદ, દિલ્હીના ઇન્ડિયા ગેટ પર 5 સપ્ટેમ્બરે યોજાનારી માર્ચને સત્તાવાર રીતે મુલતવી રાખવામાં આવી છે. માંગણીઓ સંતોષાતા પ્રદર્શન રદ્દ કરવામાં આવ્યું છે, પરંતુ આ જીત બાદ સામાજિક કાર્યકર્તા અભિજીત ડીપકે અને સૌરવ દાસનું વલણ વધુ આક્રમક બન્યું છે.
મંગળવારે યોજાયેલા એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન દરમિયાન બંને કાર્યકર્તાઓએ ખુલ્લેઆમ પોતાના વિચારો રજૂ કર્યા હતા. શરૂૂઆતમાં તેમણે આંદોલન સફળ થવા અંગે વાત કરી, પરંતુ ટૂંક સમયમાં જ આ ચર્ચા સરકારી વહીવટની આકરી ટીકા તરફ વળી ગઈ હતી. બંનેએ કાયદો અને વ્યવસ્થા, મંત્રીઓની નિમણૂક અને દેશભરના વિવિધ મુદ્દાઓ પ્રત્યે સરકારની પસંદગીગીરીની વલણ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન અભિજીત ડીપકે સરકારની પ્રાથમિકતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે પ્રદર્શનકારીઓને રોકવાની કે દબાવવાની વાત આવે છે, ત્યારે સરકારી તંત્ર અને સત્તાધીશો અદ્ભુત કાર્યક્ષમતા અને ઝડપ દર્શાવે છે. પરંતુ જ્યારે નાગરિકોને ખરેખર ઝડપી સેવા કે મદદની જરૂૂર હોય છે, ત્યારે આ કાર્યક્ષમતા ગાયબ થઈ જાય છે.દીપકેએ વળતર ચૂકવણીનો મુદ્દો ઉઠાવતા કહ્યું, આંદોલનકારીઓ કે પીડિતોને આર્થિક વળતર આપવું એ તો બહુ પ્રાથમિક બાબત છે, તે લોકોને તાત્કાલિક મળવું જોઈએ. પરંતુ જરા સરકારી સિસ્ટમની ઝડપ જુઓ!
જ્યાં ખરેખર કાર્યક્ષમતા બતાવવાની જરૂૂર છે, ત્યાં સરકાર કોઈ રસ દાખવતી નથી. પણ જ્યાં પ્રદર્શનકારીઓ પર પેલેટ ગન ચલાવવાની હોય કે સુરક્ષા દળોને તૈનાત કરવાના હોય, ત્યાં તમામ સંસાધનો ઝડપથી વાપરવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે દેશના ખૂણે-ખૂણેથી સુરક્ષા દળોને ખાસ વિમાનો દ્વારા એરલિફ્ટ કરીને લાવવામાં આવે છે. સરકાર યોગ્ય જગ્યાએ પોતાની ક્ષમતા દર્શાવવાના બદલે ખોટી જગ્યાએ પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહી છે.
