દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અંગે એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. તાજેતરમાં દાખલ કરવામાં આવેલી એક રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) અરજીના જવાબમાં એવો ખુલાસો થયો છે કે બેંક મોટા ડિફોલ્ટર્સ પાસેથી લોન સેટલમેન્ટની રકમ વસૂલવામાં નિષ્ફળ રહી છે. પરિણામે, છેલ્લા માત્ર 9 વર્ષના સમયગાળામાં SBIને 1 લાખ કરોડ રૂૂપિયાથી પણ વધુનું જંગી નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
મનીલાઈફના અહેવાલ મુજબ, પુણે સ્થિત આરટીઆઈ કાર્યકર્તા વિવેક વેલંકરે આ માહિતી માંગી હતી. તેમને પૂરા પાડવામાં આવેલા સત્તાવાર ડેટા પરથી જાણવા મળે છે કે SBI દ્વારા નાણાકીય વર્ષ 2017-18 થી લઈને નાણાકીય વર્ષ 2025-26 સુધીના સમયગાળામાં કુલ 309 લોન એકાઉન્ટ્સ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (ગઈકઝ) અથવા સમાન રિઝોલ્યુશન ફોરમમાં મોકલવામાં આવ્યા હતા. આ 309 કેસોમાં બેંકનો કુલ દાવો 149,895 કરોડ રૂૂપિયાનો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, રિઝોલ્યુશન પ્રક્રિયા મારફતે બેંક માત્ર 49,727 કરોડ રૂૂપિયા જ વસૂલ કરી શકી છે. આ આંકડા દર્શાવે છે કે બેંકે પોતાના કુલ દાવાની રકમ કરતાં લગભગ 1 લાખ કરોડ રૂૂપિયા ઓછી રકમ વસૂલ કરી છે. સરળ શબ્દોમાં કહીએ તો, કુલ દાવાના 67% જેટલી રકમ એટલે કે 100,168 કરોડ રૂૂપિયાનું બેંકને સીધું નુકસાન (જેને બેન્કિંગ ભાષામાં 'હેરકટ' કહેવાય છે) ગયું છે.
RTI રિપોર્ટમાં નાણાકીય વર્ષ 2025-26 ના ચોક્કસ આંકડા પણ આપવામાં આવ્યા છે. માત્ર આ એક જ વર્ષમાં, SBI એ 4,928 કરોડ રૂૂપિયાના દાવાઓ ધરાવતા 30 મોટા ખાતાઓનું સેટલમેન્ટ ફક્ત 1,348 કરોડ રૂૂપિયામાં કર્યું હતું. આનો અર્થ એ થાય કે આ 30 ખાતાઓમાં બેંકને 3,580 કરોડ રૂૂપિયાનું નુકસાન ગયું, જે કુલ દાવાના લગભગ 73% જેટલું થવા જાય છે.
આ ઉપરાંત, બેંકે રાઈટ-ઓફ (ચોપડેથી માંડી વાળવામાં આવેલી) લોનનો એક અલગ ડેટા પણ આપ્યો છે. આ આંકડાઓ મુજબ, ટેકનિકલ અથવા પ્રુડેન્શિયલ આધારે રાઈટ-ઓફ કરાયેલી લોનમાંથી બેંકે 20,838 કરોડ રૂૂપિયા એટલે કે આશરે 14% રકમની વસૂલાત કરી છે. અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે 'ગઈકઝ હેરકટ' અને 'લોન રાઈટ-ઓફ' એ બંને સંપૂર્ણપણે અલગ પ્રક્રિયાઓ છે.

