Dailyhunt
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ, રવિવારથી ઉમેદવારના નામ કરશે જાહેર

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ, રવિવારથી ઉમેદવારના નામ કરશે જાહેર

સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજકોટ ખાતે કોંગ્રેસ પક્ષની સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને પક્ષ સંપૂર્ણ તાકાત સાથે જનતાની વચ્ચે જશે.

આગામી રવિવારથી ઉમેદવારના નામોની તબક્કાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે.

અમિત ચાવડાએ વર્તમાન સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, હાલની સરકાર સંપૂર્ણપણે ખાડે ગઈ છે અને વહીવટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અમે જનતાની વચ્ચે જઈને તેમની રજૂઆતો સાંભળી છે.
ગુજરાતની જનતા હવે આ સરકારને જાકારો આપવા તૈયાર છે. વધુમાં તેમણે વધુમાં ઉમેર્યું કે, ચૂંટણીમાં મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવા તેમજ રાજ્યમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુખ્ય મુદ્દાઓ રહેશે.

ખાસ કરીને દારૂૂ અને ડ્રગ્સના કારણે બરબાદ થઈ રહેલી યુવા પેઢીનો મુદ્દો પણ કોંગ્રેસ આક્રમક રીતે ઉઠાવશે.
ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત અંગે સ્પષ્ટતા કરતા ચાવડાએ જણાવ્યું કે, 5મી તારીખથી તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. સૌ પ્રથમ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર થશે. જે બાદ અન્ય બેઠકો માટેના નામોની જાહેરાત કરાશે.ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અંદાજે 10,000 બેઠકો માટે મતદાન થવાનું છે.

ભૂતકાળના અનુભવોને ધ્યાને રાખીને કોંગ્રેસે આ વખતે ખાસ તકેદારી રાખી છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, કોઈપણ ઉમેદવારનું ફોર્મ રદ ન થાય અથવા દબાણ હેઠળ ફોર્મ પાછું ખેંચવાની સ્થિતિમાં બેઠક બિનહરીફ ન થઈ જાય તે માટે દરેક જિલ્લા મથકે અમારી લીગલ ટીમ તૈનાત કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati