બ્રહ્મસમાજનો એકસૂત્રે વિરોધ! અમે ભીખ નહીં પણ દાન લઇએ છીએ!
કચ્છમાં યોજાયેલા અમૃત મહોત્સવ કાર્યક્રમ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્ય પ્રકાશ સ્વામી દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. જાહેર મંચ પરથી બ્રાહ્મણ સમાજ અંગે કરાયેલી ટિપ્પણી બાદ સામાજિક અને રાજકીય વર્તુળોમાં આક્રોશ ફેલાયો છે. મંચ પરથી આપેલા ભાષણમાં બ્રાહ્મણો વિશે કરવામાં આવેલી ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ખાસ કરીને બ્રાહ્મણ સમાજના આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા આ નિવેદનની નિંદા કરવામાં આવી રહી છે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પણ સમગ્ર મામલે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ સમાજ અથવા ધર્મ અંગે અપમાનજનક ભાષા સ્વીકાર્ય નથી અને સંતોએ સમાજમાં સૌહાર્દ જાળવવાનો સંદેશ આપવો જોઈએ.
સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો અગાઉ પણ વિવિધ નિવેદનોને કારણે વિવાદોમાં આવી ચૂક્યા છે. ધાર્મિક મંચ પરથી કરાતી ટિપ્પણીઓ ઘણીવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનતી હોય છે. હાલ સમગ્ર મામલે વિવિધ સમાજ સંગઠનો દ્વારા માફીની માંગ ઉઠી રહી છે, જ્યારે વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. શાસ્ત્રી જી.કે. સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરાયેલા ભીખ શબ્દપ્રયોગ બાદ મંચ પર હાજર પ્રદેશ ભાજપના મહામંત્રી તેમજ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ બ્રાહ્મણ કદી ભીખ માંગતો નથી, દાન સ્વીકારે છે એવો પ્રતિભાવ આપતા સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે, ધારાસભ્ય અને સ્વામી વચ્ચે મંચ પર જ થયેલી આ 'શાબ્દિક ટક્કર'નો વિડિયો જોતજોતામાં વાયરલ થતાં મામલો માંડવી-કચ્છની સીમા ઓળંગી દેશ-વિદેશમાં વસતા બ્રહ્મ સમાજ સુધી પહોંચી ગયો.
પરિણામે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટ્સનું યુદ્ધ છેડાઈ ગયું છે.વિવાદ વકરતો જોઈ આખરે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ સોશિયલ મીડિયા મારફતે બ્રહ્મ સમાજની માફી માંગી યાચના કરી છે. સ્વામીએ જણાવ્યું કે, સંત તરીકે તેમનો આશય કોઈની લાગણી દુભાવવાનો નહોતો. છતાં લોકમુખે હવે એવી ચર્ચા છે કે નિશાન ચૂક માફ, પરંતુ નિશાનબાજ ખુદ નિશાન બની જાય તેવો ઘાટ સર્જાયો છે.
માંડવી ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ઉચ્ચારાયેલા શબ્દોને લઈને ઊભા થયેલા વિવાદ બાદ સ્વામિનારાયણ સંપ્રદાય અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ વચ્ચે બેઠક સાંજે યોજાઈ હતી. બેઠક દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સૂર્યપ્રકાશ સ્વામીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ભિક્ષા શબ્દ બોલવાનો આશય હતો, પરંતુ બોલવામાં ભીખ શબ્દ પ્રયોગ થઈ ગયો હતો.જિલ્લા બ્રહ્મ સમાજના અગ્રણીઓ તેમજ તાલુકા અને શહેર સ્તરના સમાજના આગેવાનો સમક્ષ સંત દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી.
ઉપરાંત જરૂૂર હોય તો હું દંડવત પ્રણામ કરવા પણ તૈયાર છું જેવા વિનમ્ર શબ્દો ઉચ્ચારતા ઉપસ્થિત સમાજના આગેવાનોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. બેઠક બાદ સમગ્ર મામલો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હોવાનું જાણવા મળ્યું છે.રાજકોટ ભૂદેવ સેવા સમિતિના સ્થાપક તેજસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોઈ પણ સમાજ અથવા ધર્મ અંગે અપમાનજનક ભાષા સ્વીકાર્ય નથી અને સંતોએ સમાજમાં યોગ્ય સંદેશ આપવો જોઈએ.

