દબાણમુક્ત જમીન પર અદ્યતન મચ્છી-શાકભાજી માર્કેટ, પ્રોટેક્શન વોલથી લઈ શુદ્ધ પાણી સુધીની સુવિધાઓથી ગામ બન્યું સમૃદ્ધ
જ્યાં એક સમયે કાદવ-કીચડ અને અવ્યવસ્થાનું સામ્રાજ્ય હતું, જ્યાં દબાણોના ઓળા નીચે વેપારીઓ સબડતા હતા, ત્યાં આજે વિકાસનો સૂરજ ઝળહળી ઉઠ્યો છે. ઉના તાલુકાના સાગરકાંઠે વસેલા સૈયદ રાજપરા બંદરે વર્ષો જૂની ઉપેક્ષાનો અંત આવ્યો છે.
₹18 લાખના માતબર ખર્ચે અત્યાધુનિક મચ્છી અને શાકભાજી માર્કેટનું નિર્માણ થતાં ગ્રામજીવનમાં અનેરો ઉત્સાહ છવાયો છે.
સૈયદ રાજપરા ગ્રામ પંચાયત અને કોળી સમાજ માછીમાર બોટ એસોસિએશન, રાજપરા બંદરના સંયુક્ત પ્રયાસો, અથાક પરિશ્રમ અને અડીખમ સહયોગથી વર્ષો જૂની માર્કેટની વિકટ સમસ્યાનો સુખદ ઉકેલ આવ્યો છે. જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત આયોજન મંડળ તેમજ નાણાં પંચની વિવિધ ગ્રાન્ટ હેઠળ આભવ્ય માર્કેટ સાકાર થઈ છે.
એક સમય હતો જ્યારે આ 100ડ્ઢ80 ફૂટના સરકારી પ્લોટ પર ગેરકાયદેસર દબાણો કરી દુકાનો ખડકી દેવામાં આવી હતી. પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ ભરત ભાઈ કામળીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાંક અને કોળી સમાજ બોટએસોસિએશનના આગેવાનોની જાત મહેનત, સંઘર્ષ અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર જગ્યા દબાણમુક્ત કરાવવામાં આવી.ફરતે વિશાળ કમ્પાઉન્ડ વોલનું ચણતર કરી, ભરતી કરીને આર.સી.સી. ફ્લોરિંગ કરવામાં આવ્યું. તેના પરવિશાળ લોખંડનો અધ્યતન શેડ ઉભો કરી માર્કેટને સર્વાંગ સુંદર અને સુવિધાયુક્ત બનાવવામાં આવી. ચોમાસામાં માછીમાર બહેનો અને શાકભાજી વેચનારાઓને પડતી હાલાકીનો હવે અંત આવ્યો છે.
સૈયદ રાજપરા બંદર વર્ષો સુધી વિકાસકામોથી વંચિત રહ્યું હતું, પરંતુ યુવા નેતૃત્વ હેઠળ આજે ચિત્ર બદલાયું છે. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ કામળીયા અને તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રકાશભાઈ બાંભણીયાના સહિયારા પ્રયાસોથી બંદરમાં જાણે ગંગાનું અવતરણ થયું છે.
બંદરની પ્રોટેક્શન દિવાલ, બંદર જેટીના કામો, પાકા રસ્તા, અધ્યતન શૈક્ષણિક શાળાઓ તેમજ બંદર પર હાઈ-માસ્ટ વિજ ટાવર જેવીઅનેકસુવિધાઓઉપલબ્ધ બની છે. ગામનો મેઈન ચોક પણ આ સુવ્યવસ્થિત માર્કેટના નિર્માણથી શોભાયમાન અને રળિયામણો બન્યો છે.
હાલ સ્વચ્છતા, ગંદા પાણીના નિકાલ અને રસ્તાના કામોને અગ્રતાક્રમ આપવામાં આવી રહ્યો છે.માછીમારો ને સીધી અસર કરે તેવી પ્રાથમિક સુવિધાઓ પર વિશેષ ભાર મૂકાયો છે. આ ઉપરાંત રાવલ ડેમ આધારિત શુદ્ધ પાણીની યોજના હેઠળ ગ્રામજનોને નિયમિત પાણી મળી રહે તે માટે નવી પાઈપલાઈન અને નવા સંપ બનાવવા ના પ્રયાસો પણ હાથ ધરાયા છે.

