Dailyhunt
કચ્છ અને સૌરાષ્ટ્રમાં કરા સાથે કમોસમી વરસાદ, આગામી બે દિવસ ભારે પવન સાથે આગાહી

કચ્છ અને સૌરાષ્ટ્રમાં કરા સાથે કમોસમી વરસાદ, આગામી બે દિવસ ભારે પવન સાથે આગાહી

Gujarat Post 2 weeks ago

મદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે.

કચ્છના ભૂજ તાલુકાના ખાવડા, મિરઝાપર, સુખપર અને માનકુવા સહિતના ગામોમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ પડ્યો હતો. બીજી તરફ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી હતી.

લાલપુરના મોટી વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની સાથે કરા પડ્યા હતા. કરા પડવાને કારણે રસ્તાઓ પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યાં અનુસાર, હાલમાં રાજ્ય પર બે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ એમ ત્રિપાંખિયો જંગ સર્જાયો છે. આગામી બે દિવસ દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વરસાદી માહોલને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જેથી ગરમીમાં રાહત મળશે.

3 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદમાં આગામી બે દિવસ મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે. પવનના જોર સાથે સાંજના સમયે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી સંભાવના છે.

આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતીવાડી વિભાગે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા સૂચના આપી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Post