રાજકોટઃ રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પગરવ સંભળાઈ રહ્યો છે, ત્યારે રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ તેજ બનાવી દીધી છે. આ દરમિયાન ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય આંદોલન દરમિયાન સરકાર સામે મક્કમ લડત આપીને ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળા આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
આજે 7 એપ્રિલ ના રોજ રાજકોટમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ની ઉપસ્થિતિમાં પદ્મિનીબા વાળાએ 'આપ' નો ખેસ અને ટોપી ધારણ કરી પક્ષમાં પ્રવેશ કર્યો હતો. ઈસુદાન ગઢવીએ તેમને આવકારતા પક્ષ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પદ્મિનીબા વાળાએ સક્રિય રાજકારણમાં જોડાવા અંગે પોતાના વિચારો સ્પષ્ટ કર્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓ માત્ર જનતાની સેવા કરવાના ઉમદા હેતુ સાથે રાજકારણમાં આવ્યા છે. જ્યાં પણ અન્યાય થશે ત્યાં અવાજ ઉઠાવવા માટે મને આ મંચ યોગ્ય લાગ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય આંદોલન વખતે સરકાર સામે બાથ ભીડીને પદ્મિનીબાએ પોતાની નેતૃત્વ શક્તિનો પરિચય આપ્યો હતો, જેને હવે તેઓ રાજકીય ફલક પર લઈ જવા માંગે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા પદ્મિનીબાનું આમ આદમી પાર્ટીમાં જોડાવું એ ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય બની શકે છે.
ક્ષત્રિય સમાજમાં પદ્મિનીબાનો પ્રભાવ જોતા, આપને આ વર્ગના મતો મેળવવામાં મોટી સફળતા મળી શકે છે. તેમજએક સશક્ત મહિલા ચહેરા તરીકે તેઓ અન્ય વર્ગોને પણ પક્ષ તરફ આકર્ષી શકે છે. હવે જોવાનું એ રહેશે કે પદ્મિનીબા વાળાના આ નિર્ણયથી આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો થાય છે અને ગુજરાતના રાજકીય સમીકરણોમાં કેવો બદલાવ આવે છે.

