રાજકોટઃ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ આવેલી શિવાલિક બિલ્ડીંગના પહેલા માળે ફલેટ નં.102 માં પતિએ 40 વર્ષીય પત્નીની હથોડી વડે હુમલો કરીને હત્યા કરી નાખી છે. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, તેમજ ક્રાઈમ બ્રાન્ચનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને આગળની કામગીરી હાથધરી છે.
મૃતક મહિલાની ઓળખ શિલ્પાબેન લાલાણી (ઉં.વ.40) તરીકે થઈ છે. શિલ્પાબેન પર તેમના જ પતિ અલ્તાફ દ્વારા હથોડીના ઉપરાછાપરી ઘા ઝીંકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા શિલ્પાબેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે. આ લોહિયાળ ખેલ પાછળ પારિવારિક વિવાદ અથવા ઘરકંકાસ હોવાની શક્યતાઓ છે, યુનિવર્સિટી પોલીસે હત્યાનો ગુનો નોંધને ઘટના બાદ ફરાર થઈ ગયેલા હત્યારા પતિ અલ્તાફને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

