- ફેક્ચર થતાં પ્રદેશ નેતાગીરીને ઈ- મેલથી જાણ કરાઈ
- ફરી એક વખત શિસ્તબદ્ધ પાર્ટીના લીરા ઉડ્યાં
સુરતઃ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે હિંસક વળાંક લઈ ચૂક્યો છે. ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ પક્ષના નેતાઓ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ હિંસક ઝપાઝપી થઈ હતી. ધારાસભ્યની હાજરીમાં TP કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ ખુરશીથી હુમલો કરતા મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાને હાથ તથા આંગળીના ભાગે ફેક્ચર થયું છે.
વોર્ડ નંબર 5 (ફૂલપાડા-અશ્વિનીકુમાર) માં આવેલી ભટની વાડી સોસાયટીના પડતર પ્રશ્નો અને ડિમોલિશન અંગે ધારાસભ્ય કાંતિ બલરે આ બેઠક યોજી હતી. સ્થાનિક રજૂઆતો બાદ અંદરોઅંદરની વર્ચસ્વની લડાઈ બહાર આવી હતી. મિટિંગમાં કોને બોલાવવામાં આવ્યા અને કોને બાકાત રખાયા તે મુદ્દે ઘર્ષણ શરૂ થયું હતુ.
મનહર વોરાએ કતારગામ અને વરાછા ઝોનમાં સૌરાષ્ટ્રવાસીઓ તથા પાટીદારોના ઉદ્યોગોને ટાર્ગેટ બનાવી ડિમોલિશન કરવાનો આક્ષેપ કર્યો હતો. કાર્યકર્તાઓની મહેનત યાદ અપાવવા છતાં મહેન્દ્ર દેસાઈએ "હું થૂંકેલું પાછું નહીં લઉં" કહી રજૂઆત ફગાવી દેતાં મામલો છૂટા હાથની મારામારી સુધી પહોંચ્યો હતો.
ઘટના બાદ 100 નંબર પર પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ધારાસભ્ય દ્વારા કાર્યાલય બદનામ ન થાય તે માટે મામલો દબાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ છે. પ્રદેશના ઉચ્ચ નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ, મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના ઓફિશિયલ લેટરપેડ પર પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ, પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ અને રત્નાકરજી સહિતના શહેર નેતાઓને ઈમેલ કરીને સમગ્ર ઘટના અંગે કડક પગલાં ભરવાની માગ કરવામાં આવી છે.


