- હાઇકોર્ટે ગંભીર સવાલ ઉઠાવીને કહ્યું- આ કેસમાં રાજ્ય સરકાર કેમ એક્ટિવ નથી
અમદાવાદ: સુરતના નાસીરનગર ડિમોલિશન મુદ્દે 26 અરજદારો દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ કેસમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ કમિશનર, SOGના DCP રાજદીપસિંહ નકુમ, એક બિલ્ડર, પોલીસ તેમજ SMCના કર્મચારીઓ અને ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યાં છે.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સુરત પોલીસ અને મહાનગરપાલિકાના વલણ સામે આકરા સવાલો ઉઠાવ્યાં હતા.
સુનાવણી દરમિયાન કોર્ટે ડિમોલિશનની તપાસ માટે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષ સ્થાને બનેલી કમિટી અંગે પણ સવાલ કર્યો હતો અને ટકોર કરી હતી કે, આમાં રાજ્ય કેમ એક્ટિવ નથી ? આ કોઈ લોકલ અધિકારીનું કામ નથી, આની પાછળ કોઈનો ટેકો હોવો જોઈએ.
ડિમોલિશન સમયે પોલીસની હાજરી અંગે પણ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કોર્ટે લાલઆંખ કરતા કહ્યું કે, એક મહિના કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ કેમ નથી થઈ ? તમે હજુ માત્ર તપાસ જ કરો છો, આમાં ગંભીરતા ક્યાં છે ? શું લોકોનું ઘર તોડી નાખવું એ ફોજદારી ગુનો નથી ?
હાઇકોર્ટે ટોરેન્ટ પાવરને પૂછ્યું હતું કે, વીજળી કનેક્શન ડિમોલિશન પહેલાં કાપવામાં આવ્યું હતું કે ત્યાં પહોંચ્યાં પછી ? જેના જવાબમાં ટોરેન્ટ પાવરે જણાવ્યું કે, SMC સેન્ટ્રલ ઝોનમાંથી શૈલેષભાઈ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. કોર્ટે જ્યારે પૂછ્યું કે સસ્પેન્ડ કરાયેલા 5 કર્મચારીઓમાં આ શૈલેષભાઈ સામેલ છે ? ત્યારે જવાબ ના માં મળ્યો હતો. જેથી કોર્ટે આ શૈલેષભાઈની ઓળખ અંગે પૂછપરછ કરી હતી..
અરજદારના વકીલે આ અંગે ખુલાસો કર્યો હતો કે આ કેસમાં બે શૈલેષભાઈ છે, એક SMCના કર્મચારી અને બીજા ખાનગી બિલ્ડર છે. કોર્ટે સવાલ કર્યો હતો કે લેખિત પરવાનગી વગર માત્ર ફોન પરની સૂચનાથી વીજ પુરવઠો કાપી શકાય ? તેના પ્રોટોકોલ શું છે ? ત્યારે ટોરેન્ટ પાવરે જણાવ્યું કે આ અંગે કોઈ ચોક્કસ પ્રોટોકોલ નથી. ડિમોલિશન ખોટું હોય તો પણ વીજ પ્રવાહ ચાલુ રહે તો મોટો અકસ્માત સર્જાઈ શકે, તેથી અકસ્માત રોકવા માટે જાણ થતાં જ વીજ પ્રવાહ બંધ કરવો પડ્યો હતો. જ્યારે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ડિમોલિશન ચાલુ હતું અને 18 મીટર તૂટેલી હાલતમાં હતા.
સુનાવણી દરમિયાન ડિમોલિશન કયા ઝોનમાં થયું તેને લઈને પણ વિરોધાભાસ સામે આવ્યો હતો. એડવોકેટ જનરલે કહ્યું, SMCની સૂચના મુજબ આ અસરગ્રસ્ત વિસ્તાર સેન્ટ્રલ ઝોનમાં આવે છે. અરજદારના વકીલે કહ્યું- અસરગ્રસ્ત નાગરિકોના પ્રોપર્ટી ટેક્સના બિલમાં નોર્થ ઝોન લખેલું છે. હાઇકોર્ટે સમગ્ર મામલાની ગંભીરતાને જોતાં વહીવટી અને પોલીસ તંત્ર પાસે કડક કાર્યવાહીની અપેક્ષા રાખી છે.

