Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વરસાદ ખેંચાતાં ખેડૂતો પાયમાલ: ગુજરાતમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરીને દેવાં અને વીજબિલ માફ કરવા કોંગ્રેસની માગ

વરસાદ ખેંચાતાં ખેડૂતો પાયમાલ: ગુજરાતમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરીને દેવાં અને વીજબિલ માફ કરવા કોંગ્રેસની માગ

Gujarat Post 1 week ago
  • મુખ્યમંત્રી વિદેશ પ્રવાસે અને ડેપ્યુટી સીએમ રીલ બનાવવામાં વ્યસ્ત: અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર
  • રાજ્યમાં સિઝનનો 75.40 ટકા સરેરાશ વરસાદ, કચ્છમાં સૌથી ઓછો અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ

અમદાવાદ: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ન પડતા જગતનો તાત ખેડૂત ગંભીર સંકટમાં મુકાયો છે. ચોમાસુ પાક સુકાઈ જવાની અણી પર હોવાથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, ત્યારે આ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.

વરસાદની ઘટ ધરાવતા જિલ્લાઓને તત્કાળ દુષ્કાળગ્રસ્ત જાહેર કરી, ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ તથા વીજબિલ સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરાઇ છે.

વિપક્ષના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકારની નીતિઓની આકરી ટીકા કરતા જણાવ્યું કે, એક તરફ ધરતીપુત્રો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યાં છે, ત્યારે સત્તાધીશો તેમની વેદના સાંભળવાને બદલે અન્ય બાબતોમાં વ્યસ્ત છે. મુખ્યમંત્રી દિલ્હી અને વિદેશ પ્રવાસોમાં વ્યસ્ત છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી સોશિયલ મીડિયા પર રીલ બનાવવામાં મગ્ન છે. જો સરકારને રીલ બનાવવાનો શોખ હોય તો ખેડૂતોના ખેતરે જઈને બનાવે જેથી તેમની વાસ્તવિક પરિસ્થિતિ અને પીડા જાણી શકાય.

રાજ્યની સ્થિતિ અંગે વિગતો આપતાં ચાવડાએ ઉમેર્યું કે, છેલ્લા એક મહિનામાં 200 તાલુકાઓમાં વરસાદ પડ્યો નથી, જ્યારે 112 તાલુકા એવા છે જ્યાં છેલ્લા 8 અઠવાડિયાથી વરસાદનું એક ટીપું પણ વરસ્યું નથી.

મોંઘા બિયારણ, ખાતર, મોંઘી વીજળી અને ઉપજના પોષણક્ષમ ભાવના અભાવે ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યો છે. NCRBના આંકડાઓને ટાંકીને કોંગ્રેસે દાવો કર્યો કે, ડબલ એન્જિન સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે 2023- 24માં દેશમાં 10,786 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. રોજ સરેરાશ 29 ખેડૂતો જીવન ટૂંકાવવા મજબૂર બન્યાં છે, જે 2010-11ની તુલનાએ ખેડૂત આત્મહત્યાઓમાં 75%નો વધારો દર્શાવે છે.

કોંગ્રેસે મુખ્ય માગણીઓ કરતા કહ્યું કે, દેવભૂમિ દ્વારકા સહિત વરસાદની ભારે ઘટ ધરાવતા તમામ જિલ્લાઓને તત્કાળ અછતગ્રસ્ત- દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. ખેડૂતોનું ચાલુ વર્ષનું તમામ પાક ધિરાણ અને વીજબિલ સંપૂર્ણ માફ કરવામાં આવે. સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના તમામ ડેમોને તત્કાળ નર્મદાના નીરથી ભરવામાં આવે. રોજગારી ગુમાવી ચૂકેલા ગ્રામીણ પરિવારો માટે ‘મનરેગા’ હેઠળ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી રોજીરોટી પૂરી પાડવામાં આવે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Post