(Photo: ANI)
સાણંદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં વિકાસ કાર્યોની ભેટ આપીને ત્યાંથી ગુજરાત આવ્યાં હતા. મોદીએ શનિવારના રોજ ગુજરાતના સાણંદ ખાતે CG Semi ના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્લાન્ટનું (OSAT) ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ ભારતમાં ત્રીજા સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્લાન્ટની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે, જે દેશમાં ચિપ ઉત્પાદનની આત્મનિર્ભરતા માટે એક મજબૂત સીમાચિહ્ન સાબિત થશે.
તેમણે CG Semiની આ અત્યંત અદ્યતન ફેસિલિટીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા દેશના પ્રથમ ચાર પ્રોજેક્ટ્સ પૈકીનો આ એક મુખ્ય અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે.
આ પ્લાન્ટને રૂ. 7500 કરોડથી વધુના જંગી રોકાણ સાથે સાકાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટની શરૂઆતથી ભારત હવે ગ્લોબલ ચિપ મેન્યુફેક્ચરિંગના નકશા પર એક નવો ઈતિહાસ રચવા તરફ મજબૂત કદમ વધારી ચૂક્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો એક દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને આજે સાંજે દિલ્હી જવા રવાના થાય તે પહેલાં અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય સરકારના મંત્રીમંડળ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. જેમાં રાજ્યના તમામ મંત્રીઓને આ બેઠકમાં હાજર રહેવા ખાસ સૂચના આપવામાં આવી હતી.
દરેક મંત્રી પોતાના વિભાગની કામગીરી, પ્રગતિ અને અમલમાં રહેલી યોજનાઓ અંગેનો વિગતવાર રિપોર્ટ વડાપ્રધાન સમક્ષ રજૂ કરશે. વડાપ્રધાન વિવિધ વિભાગોની સમીક્ષા કરીને આગામી સમય માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.

