બરોડા
નર્મદા ડેમની સપાટી ઘટતાં ૧૮ વર્ષે હાંફેશ્વર મંદિર ૪૦ ફૂટ બહાર આવ્યું
નસવાડી, તા.25 માર્ચ, 2018, રવિવાર
કવાંટ તાલુકાનું સુપ્રસિધ્ધ પુરાણું હાંફેશ્વર મંદિર નર્મદા સરોવરની જળસપાટી નિરંતર ઘટતાં હાલ જળસમાધિમાંથી ખાસ્સું બહાર આવતાં શ્રધ્ધાળુઓ તેનાં દર્શને જઇ રહ્યા છે. મંદિરની ટોચ દેખાતી થઇ પછી કેટલોક ભાગ બહાર આવ્યો ત્યારે બોટમાં બેસી છેક મંદિર સુધી જવાતું હતું. પણ, હવે જળસપાટી ઓર ઘટતાં મંદિરની કમ્પાઉન્ડ વોલ દેખાતી થતાં બોટ લઇ મંદિર સુધી જઇ શકાતું નથી.
રામનવમીએ દર્શનાર્થે આવેલા ભક્તોને મંદિરથી ૧૦ ફીટ દૂર બોટ ઉભી રાખી કમ્પાઉન્ડ વોલ પરથી નીચે ઉતારી મંદિરના ગર્ભગૃહ સુધી જવા ઘુંટણ બૂડ પાણીમાંથી પસાર થવું પડે છે. તે પછી લોખંડના પાઇપની સીડી પર ચડી મંદિરમાં દર્શનાર્થે જવું પડે છે.
હાંફેશ્વરના શિવાલયે આજથી અઢાર વર્ષ પૂર્વે જળસમાધિ લીધી હતી. તે પછી દર વર્ષે ચોમાસા પછી જળ સપાટી ઘટતાં તેના ટોચ પરની ધજાનાં દર્શન થતાં રહ્યાં હતાં. પરંતુ, આ વર્ષે ઉપરવાસમાં ઓછા વરસાદ અને સરદાર સરોવરમાંથી વધુ જાવકને કારણે જળસપાટી ઘણી ઝડપી નીચી ઉતરતાં મંદિર હાલ ૪૦ ફીટથી વધુ બહાર નીકળી આવ્યું છે.
વર્ષો પછી જળસમાધિમાં 'પ્રગટ થયેલા શિવાલય' ના દર્શનાર્થે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના શિવભક્તો હોડીઓમાં બેસી આવી રહ્યા છે. નર્મદા બંધ સરોવરની જળસપાટી ઘટી રહી છે. ત્યારે થોડા દિવસ પૂર્વે મંદિરનો કેટલોક હિસ્સો બહાર આવતાં ભક્તો બોટમાં બેસીને મંદિરનાં ગર્ભગૃહ સુધી સીધા પહોંચી જતા હતા.
પણ હવે મંદિરની કમ્પાઉન્ડ વોલ બહાર નીકળી આવતાં બોટ ત્યાં જ થંભાવી દઇ વોલ ચડી મંદિરમાં ભરાયેલા ઘૂંટણબુડ પાણીમાં ઉતરી જવુ પડે છે. તે પછી પણ મંદિરમાં જવા કોઇ વ્યવસ્થા નથી એટલે બે પાઇપ પર થઇ પૂજારીની ઓરડીના સ્લેબના સહારે મંદિરમાં જઇ શકાય છે. આવી કષ્ટદાયક સફરને લઇ કેટલાક વયસ્ક શ્રધ્ધાળુઓ, ખાસ કરીને મહિલાઓએ તો બોટમાં બેઠા બેઠા જ પ્રભુના દર્શન કરી લીધા હતા.
હાંફેશ્વર નહીં પણ કલહંસેશ્વર મહાદેવ
નર્મદા કિનારે આવેલા હાફેશ્વર મંદિર વિશે કહેવાય છે કે કલહંસ ઋષિ શંકર ભગવાનની તપસ્યા કરતા હતા ત્યારે એમની પરીક્ષા લેવા ઇન્દ્રદેવ આવ્યા હતા. ઇન્દ્રદેવે ઋષિને પૂછ્યું કે, તમારે શું જોઇએ છે ? કલહંસઋષિએ ઇન્દ્રદેવને પ્રણામ કરી કહ્યું હતું કે મારે તો શંકર ભગવાનના દર્શન કરવા છે. ઇન્દ્રના આશીર્વાદથી કલહંસ ઋષિને શંકર ભગવાનના દર્શન થયા એટલે કલહંસ ઋષિએ આ જગ્યાને તમે પાવન કરી છે તો સદાને માટે અહી બિરાજમાન રહો જેથી તમારા ભક્તો દર્શન કરી તમારો અહેસાસ કરે એવો પ્રાર્થના કરતા તેનો સ્વીકાર થયો. કલહંસ ઋષિની તપસ્યા પૂર્ણ થતાં આ જગ્યાએ સ્થપાયેલા મંદિરનું નામ કલહંસેશ્વર મહાદેવ મંદિર રાખવામાં આવ્યુ હતું.
મંદિરે જવા ડુંગરો ચડતા હાંફ ચડતો એથી હાંફેશ્વર
નર્મદા નદીને કિનારે બનાવાયેલા શિવભગવાનના મંદિરે જવા માટે કોઇ માર્ગ ન હતો. લોકો પગપાળા ચાલીને મંદિર સુધી ડુંગરો અને તળેટી વચ્ચે ચાલીને જતા હતા. જેનાથી લોકોને હાંફ (શ્વાસ) ચડી જતો હતો, જેના લીધે આ જગ્યાનું નામ હાંફેશ્વર પડયુ હતું. આ મંદિરમાં ત્રણ રાજ્યના આદિવાસીઓએ વર્ષો સુધી પૂજા અર્ચના કરી હતી. નર્મદા ડેમ બનવાની શરૃઆત થઇ અને જેમ જેમ ડેમ વધુ ઉંચો થતો ગયો તેમ ડેમની જળસપાટી વધતાં આ મંદિર ડુબાણમાં જતુ ગયુ હતુ. આવુ જ મંદિર નજીકમાં હાંફેશ્વર ખાતે બનાવવામાં આવ્યુ છે તે મંદિરમાં પણ લોકો દર્શન માટે આવે છે.