આ લર્નીંગ લોસને સરભર કરવા માટે અને વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણ પ્રવાહ સાથે જોડવા માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને ઉનાળુ વેકેશન ઘટાડવા અપીલ કરવામાં આવે છે અને આ ઘટાડેલા દિવસોનો ઉપયોગ વિદ્યાર્થીઓના લર્નિંગ લોસની ભરપાઇ કરવા અને તેમનામાં સ્કિલ ડેવલપમેન્ટ માટે ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે. આ અંગે વધુ જણાવતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતા એ જણાવ્યું હતું કે કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લોકડાઉન, ઓનલાઈન શિક્ષણ અને નકારાત્મક પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણમાં મોટું નુકસાન થયું છે. આ નુકસાનને દૂર કરવા માટે શિક્ષણ વ્યવસ્થામાં ઘણા સકારાત્મક ફેરફારો લાવવા જરુરી બન્યા છે. લાંબા સમય બાદ હવે જ્યારે કોરોનાની પરિસ્થિતિ થાળે પડી રહી છે, વિદ્યાર્થીઓમાં પણ વ્યાપક રસીકરણના કારણે થયેલ સુરક્ષિત વાતાવરણમાં લાંબુ ઉનાળુ વેકેશન વિદ્યાર્થીઓને ફરીથી અભ્યાસની દિશાથી દુર લઈ જવાનું કામ કરશે. આમ પણ લોકડાઉન અને ઓનલાઇન લર્નિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ શાળાઓથી દુર ઘરમાં જ ખુબ લાંબો સમય પસાર કર્યો છે. જો ઉનાળુ વેકેશન ઓછું કરવામાં આવે તો આ મહત્વના દિવસોનો ઉપયોગ વિદ્યાર્થીઓના લર્નીંગ લોસને દુર કરવા ઉપરાંત તેમનામાં રહેલા જુદા-જુદા કૌશલ્યોને યોગ્ય દિશા આપવા અને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે કરી શકાશે તેવું મારુ માનવું છે. તાજેતરમાં જયારે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી દેશના પ્રથમ રાજય તરીકે જયાં સંપૂર્ણ પ્રત્યક્ષ શિક્ષણની મંજૂરી આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમણે પણ કહ્યું હતું કે શિક્ષણમાં થયેલ લર્નીંગ લોસને ઘટાડવા સૌ એ મહેનત કરવી પડશે. જો સરકાર આ બાબતે ઘટતું કરશે, તો વિદ્યાર્થીઓની શૈક્ષણિક સ્થિતિમાં ચોક્કસ સુધારો થશે.
આ માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની કોર કમિટીના સભ્યોમાં મંડળના પ્રમુખ ડી.વી મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઈ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરિયા, મહામંત્રી પરિમલભાઈ પરડવા, મહામંત્રી પુષ્કરભાઈ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદીપભાઇ જલુ અને મેહુલભાઈ પરડવા તેમજ મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, તેમજ ફી નિયમન કમિટીના સદસ્ય અજયભાઇ પટેલ દ્વારા શિક્ષણમંત્રી અને રાજય સરકારને ઘટતું કરવા અપીલ કરવામાં આવે છે.