Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમદાવાદના ઘુમાની સોસાયટીમાં દીપડો ઘૂસ્યો

અમદાવાદના ઘુમાની સોસાયટીમાં દીપડો ઘૂસ્યો

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના દેખાવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે, પરંતુ હવે અમદાવાદ શહેરની સીમામાં દીપડાની એન્ટ્રી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અમદાવાદના ઘુમા ગામ નજીક આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે દીપડો ઘૂસી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે ઘુમા ગામ નજીક દીપડો દેખાયો હોવાની જાણ સ્થાનિક રહેવાસીઓએ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમને જાણ કરવામાં આવી હતી. હાલ બંને વિભાગની ટીમો ઘુમા અને આસપાસના વિસ્તારોમાં દીપડાની શોધખોળ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.

મળતી માહિતી મુજબ, ઘુમા ગામથી શેલા તરફ જતાં માર્ગ પર આવેલી શરણદીપ સોસાયટીમાં રાત્રે અંદાજે 1:50 વાગ્યે દીપડો દેખાયો હતો. CCTVમાં દીપડો સોસાયટીની કંપાઉન્ડ વોલ કૂદીને અંદર પ્રવેશતો જોવા મળ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. તે દરમિયાન ત્યાંથી કાર લઈને પસાર થઈ રહેલી એક યુવતીએ પણ દીપડાને પોતાની આંખે જોયો હોવાનું જણાવ્યું છે.

દીપડો સોસાયટીમાં ફરતો હોવાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત સોસાયટી અને આસપાસના વિસ્તારમાં દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા છે. આ ઘટનાના કારણે ઘુમા અને શેલા સહિત આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકોએ ઘટનાની જાણ મેયર હિતેશ બારોટને કરતાં તેઓ વહેલી સવારે શરણદીપ સોસાયટી પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક રહેવાસીઓ સાથે મુલાકાત કરી પરિસ્થિતિની માહિતી મેળવી હતી. ત્યારબાદ વન વિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ સાથે સ્થળનું નિરીક્ષણ કરીને દીપડાની હિલચાલ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.

વન વિભાગે જણાવ્યું છે કે દીપડો કઈ દિશામાં ગયો છે તે શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ સ્થાનિક લોકોને સાવચેતી રાખવા, રાત્રે એકલા બહાર ન નીકળવા અને દીપડો દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujrat Khabar