Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કેનેડામાં કાર અકસ્માતમાં અમદાવાદના કોમ્પ્યુટર એન્જિનિયરનું મોત

કેનેડામાં કાર અકસ્માતમાં અમદાવાદના કોમ્પ્યુટર એન્જિનિયરનું મોત

મદાવાદના 22 વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયર ભીષ્મ રાજ્યગુરુનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયું છે. 18 જુલાઈની રાત્રે કેનેડાના સાસ્કાચેવાન હાઈવે-11 પર રોંગ સાઇડમાં પૂરઝડપે આવી રહેલી એક કાર તેમની કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ભીષ્મની કાર રસ્તા પરથી ઉછળીને બાજુના મેદાનમાં પલટી ખાઈ ગઈ હતી. ગંભીર આંતરિક ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ભીષ્મનો પાર્થિવ દેહ આગામી 2 ઓગસ્ટે અમદાવાદ લાવવામાં આવશે.

કેનેડિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત સર્જનાર કાર રસ રાઇડિંગ ગેમના કેપ્ટન જેડન ડેલ્ક્સ ચલાવી રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેની કાર રોંગ સાઇડમાં હોવાનું સામે આવ્યું છે. તેમજ કારમાંથી આલ્કોહોલ અને ડ્રગ્સ સંબંધિત પુરાવા પણ મળી આવ્યા હોવાનું જણાવાયું છે.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની યશકુંજ સોસાયટીમાં રહેતા ભીષ્મ રાજ્યગુરુ છેલ્લા ચાર વર્ષથી કેનેડાના રીજીના શહેરમાં રહેતા હતા. અમદાવાદમાં ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ કોમ્પ્યુટર સાયન્સના ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ગયા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તેઓ એક કાર ડીલરશિપ કંપનીમાં નોકરી કરતા હતા.18 જુલાઈની રાત્રે ભીષ્મ નોકરી પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે સાસ્કાચેવાન હાઈવે-11 પર રાત્રે આશરે 9 વાગ્યે સામેની લેનમાં પૂરઝડપે આવી રહેલી કાર તેમની કાર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે તેમની કાર રસ્તા પરથી ફંગોળાઈને મેદાનમાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા.

અકસ્માતમાં ભીષ્મને ગંભીર આંતરિક ઇજાઓ પહોંચી હતી અને ભારે બ્લિડિંગને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં તેમના મિત્રો તેમજ કેનેડામાં વસતા ગુજરાતી સમાજના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક જેડન ડેલ્ક્સ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.અકસ્માત બાદ ભીષ્મના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમના નિધન પર રીજીનાના સ્થાનિક મેયરે પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉપરાંત, રફ રાઇડર્સની મેચ દરમિયાન સ્ટેડિયમની મોટી સ્ક્રીન પર પણ ભીષ્મને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ભીષ્મના મિત્ર રુદ્રેશ પંચાલે જણાવ્યું કે ભીષ્મ કેનેડામાં ગુજરાતી સમાજ સાથે ખૂબ જ સક્રિય રીતે જોડાયેલા હતા. તેઓ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા અને રીજીના મ્યુઝિક ગ્રુપના સભ્ય પણ હતા. ઉપરાંત, ગુજરાતી સમાજ માટે તેઓ નિઃશુલ્ક ગરબાના કાર્યક્રમોનું આયોજન પણ કરતા હતા.

ભીષ્મના પરિવારમાં પિતા આશિષભાઈ રાજ્યગુરુ, માતા પૂર્વીબેન રાજ્યગુરુ અને નાની બહેન હિર રાજ્યગુરુ છે. તેમના પાર્થિવ દેહને 2 ઓગસ્ટે અમદાવાદ લાવવામાં આવશે, જ્યાં પરિવારજનો અને સ્નેહીજનોના અંતિમ દર્શન બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujrat Khabar