રાજસ્થાનના ચુરુ, શ્રીગંગાનગર, બીકાનેર અને સીકર સહિતના સરહદી જિલ્લાઓમાં શનિવારે બપોરે અચાનક આવેલા ભયંકર રેતાળ તોફાને જનજીવનને પ્રભાવિત કર્યું હતું. પાકિસ્તાન તરફથી ઉઠેલા ધૂળના વંટોળની અસરને કારણે દિવસ દરમિયાન જ આકાશમાં અંધારપટ છવાઈ ગયો હતો અને લોકોને વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં લોકો તોફાનથી બચવા માટે દોડીને ઘરોમાં આશરો લેતા અને બારણા-બારીઓ બંધ કરતા જોવા મળ્યા હતા.
સ્થાનિકોનું કહેવું છે કે તેમણે અગાઉ ક્યારેય આટલી તીવ્રતા ધરાવતું રેતાળ તોફાન જોયું નહોતું.શ્રીગંગાનગરમાં સવારે આશરે 11 વાગ્યે શરૂ થયેલા વાવાઝોડાએ સમગ્ર શહેરને ધૂળથી ઢાંકી દીધું હતું. અનેક વિસ્તારોમાં રેતીના વિશાળ વંટોળ જોવા મળ્યા હતા. ચુરુ અને બીકાનેરમાં પણ સમાન સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સીકર જિલ્લાના ફતેહપુર અને લક્ષ્મણગઢ વિસ્તારમાં ધૂળનો ઘેરો પડછાયો છવાઈ ગયો હતો.
બીજી તરફ ઉદયપુર સહિત રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદ પણ નોંધાયો હતો. હવામાન વિભાગે રાજ્યના 30 જિલ્લાઓમાં વાવાઝોડા, વરસાદ અને કરા પડવાની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતા હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. શુક્રવારે ચુરુ, હનુમાનગઢ, બીકાનેર, સીકર, અલવર, જયપુર, ભરતપુર, ઝુંઝુનુ અને કરૌલીમાં વરસાદ તથા કરા પડતા તાપમાનમાં 10 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચી શકે છે. જોકે, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. વિભાગના અંદાજ પ્રમાણે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે અને મોન્સૂન લોંગ પિરિયડ એવરેજ (LPA)ના આશરે 90 ટકા જેટલો રહી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે બિહાર અને ઉત્તર પ્રદેશમાં સામાન્ય વરસાદની સંભાવના છે, પરંતુ દેશના અન્ય ઘણા વિસ્તારોમાં વરસાદની માત્રા ઓછી રહી શકે છે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતીવાળા વિસ્તારોમાં તેની અસર વધુ જોવા મળી શકે છે.
આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન વાવાઝોડા અને ખરાબ હવામાનને કારણે 31 લોકોના મોત નોંધાયા છે. સહારનપુરમાં ભારે વરસાદ બાદ પહાડીઓ પરથી આવેલા તેજ પાણીના પ્રવાહમાં ઇનોવા કાર, ટ્રેક્ટર સહિત 10 જેટલા વાહનો તણાઈ ગયા હતા. રાજ્યના તમામ 75 જિલ્લાઓમાં આજે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બિહારમાં પણ વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓમાં છેલ્લા 24 કલાકમાં 17 લોકોના મોત થયા છે. પટનામાં ખરાબ હવામાનના કારણે ચાર ફ્લાઇટ ડાયવર્ટ કરવી પડી હતી, જ્યારે 18 ફ્લાઇટ મોડી પડતાં 500થી વધુ મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અનેક સ્થળોએ ટ્રેનો પણ કલાકો સુધી વિલંબિત રહી હતી.

