Dailyhunt
૧૧ વર્ષથી ફરાર આજીવન કેદી ઝડપાયા: પેરોલ ફર્લો સ્કવોડની મોટી કાર્યવાહી

૧૧ વર્ષથી ફરાર આજીવન કેદી ઝડપાયા: પેરોલ ફર્લો સ્કવોડની મોટી કાર્યવાહી

કચ્છ, 07 એપ્રિલ (હિ.સ.) : આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં ફરાર આરોપીઓને પકડી પાડવા પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલ ખાસ ડ્રાઈવ દરમિયાન એક મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે. પેરોલ અને વચગાળાના જામીન પરથી વર્ષો સુધી ફરાર રહેલા બે આજીવન કેદીઓને અંતે કાયદાની જાળમાં લાવવામાં આવ્યા છે.

પૂર્વ કચ્છ-ગાંધીધામ પોલીસના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડે સતત ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે કામગીરી હાથ ધરી હતી.

જેમાં વર્ષ 2011ના એક હત્યાના ગુનામાં દોષિત ઠરેલા અને આજીવન કેદની સજા ભોગવી રહેલા બે આરોપીઓ - દિનેશ બદરીપ્રસાદ (બગડા રામ) બાલોટીયા અને ભીમસેન બદરીપ્રસાદ બાલોટીયા - ને અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે.

આ બંને આરોપીઓએ ગાંધીધામ વિસ્તારમાં મહેન્દ્ર ચૌહાણ પર તલવારથી જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. આ ગંભીર ગુનામાં તેમને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી અને રાજકોટ જેલમાં મોકલવામાં આવ્યા હતા.

પરંતુ, દિનેશ બાલોટીયાને વર્ષ 2015માં 20 દિવસની વચગાળાની રજા આપવામાં આવી હતી, છતાં તે સમયસર જેલમાં પરત ફર્યો નહોતો અને છેલ્લા 11 વર્ષથી ફરાર રહ્યો હતો. બીજી તરફ, ભીમસેન બાલોટીયાને મે 2024માં 7 દિવસની રજા મળ્યા બાદ તે પણ જેલમાં હાજર થયો નહોતો અને ફરાર થઈ ગયો હતો.

પોલીસે બંને આરોપીઓની લાંબા સમયથી શોધખોળ ચાલુ રાખી હતી. અંતે ચોક્કસ બાતમીના આધારે તેમને અમદાવાદમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં ફરીથી જેલ હવાલે કરવામાં આવ્યા છે.ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના પ્રયાસોમાં પોલીસને મોટી સફળતા મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati