
કચ્છ, 02 જુલાઈ (હિ.સ.) અખિલ કચ્છ રાયમા-રાઉમા સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં ગાંધીધામના અગ્રણી સમાજસેવક હાજી જુમા રાયમાની સર્વાનુમતે બિનહરીફ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓની સર્વસંમતિ બાદ તેમની સત્તાવાર નિમણૂક જાહેર થતાં સમગ્ર સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રમુખપદની જવાબદારી સ્વીકાર્યા બાદ હાજી જુમા રાયમાએ સમાજના તમામ આગેવાનો, વડીલો, યુવાનો અને સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ પદ તેમના માટે માત્ર ગૌરવનું પ્રતીક નથી, પરંતુ સમાજ પ્રત્યે વધુ જવાબદારી સાથે સેવા આપવાની મહત્વપૂર્ણ તક છે. સમાજના દરેક વર્ગને સાથે રાખીને વિકાસલક્ષી કામગીરીને ગતિ આપવામાં આવશે અને સંગઠનની એકતાને વધુ મજબૂત બનાવવામાં આવશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આગામી સમયમાં શિક્ષણ, આરોગ્ય, યુવા સશક્તીકરણ, રોજગાર અને સામાજિક વિકાસ જેવા ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને સુવ્યવસ્થિત આયોજન હાથ ધરવામાં આવશે. આ માટે અલગ-અલગ વિષયવાર ટીમોની રચના કરવામાં આવશે, જેથી સમાજના દરેક વ્યક્તિ સુધી વિકાસના લાભો અસરકારક રીતે પહોંચાડી શકાય. યુવા પેઢીને શિક્ષણ અને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવા સાથે જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ બનવાના પ્રયાસોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.
હાજી જુમા રાયમાએ વધુમાં જણાવ્યું કે સમાજની પ્રગતિ માટે સૌનો સહકાર અનિવાર્ય છે અને સંગઠનની શક્તિ તેના સભ્યોની એકતા અને ભાગીદારીમાં રહેલી છે. તમામ આગેવાનોના માર્ગદર્શન અને યુવાનોની સક્રિય ભાગીદારીથી સમાજને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ બેઠકના સફળ આયોજનમાં માંડવી વિસ્તારના આગેવાનો સમસુલ રાયમા, આમદ રાયમા, હાજી રાયમા સહિત અનેક કાર્યકરોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌએ સંકલન અને સહયોગની ભૂમિકા ભજવી હોવાનું કાર્યકારી મહામંત્રી સિકંદર રાયમાએ જણાવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવા પ્રમુખના નેતૃત્વ હેઠળ અખિલ કચ્છ રાયમા-રાઉમા સમાજ સંગઠનાત્મક રીતે વધુ સશક્ત બનશે અને સમાજહિતના અનેક નવા આયામો સ્થાપિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar

