અમદાવાદ,29 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદના ગીતામંદિર આરોગ્ય ભવન પાસે પુરઝડપે અને રોંગ સાઈડમાં આવી રહેલા એક એક્ટિવા ચાલક સામે જ ગુનો નોંધાયો. જે એક્ટિવા પર જઈ રહ્યો હતો તેજ એક્ટિવા ચાલક સામે ગુનો નોંધાયો.
અમદાવાદના ગીતામંદિર આરોગ્ય ભવન પાસે પુરઝડપે જઈ રહેલા એક્ટિવા અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 15 વર્ષીય સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી.
જમાલપુરમાં રહેતા અને લોન્ડ્રીનું કામ કરતા ઉમર મેડીવાલાનો 15 વર્ષીય પુત્ર જેદ, જે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. 3 ઓગસ્ટે ખાલિદ હુસેન શેખની એક્ટિવા પાછળ બેસીને સ્વિમિંગ શીખવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ગીતામંદિરથી આસ્ટોડિયા તરફ રોંગ સાઈડમાં જતી વખતે આરોગ્ય ભવનના ગેટ પાસે તેમની એક્ટિવા રિક્ષા સાથે જોરથી અથડાઈ હતી.
ધો-10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત
આ અકસ્માતમાં એક્ટિવા સવાર બંને અને રિક્ષાચાલક મોઈન શેખ સહિત ત્રણેયને ગંભીર ઈજા પહોંચતા તુરંત હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન જેદનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે કે-ડિવિઝન ટ્રાફિક પોલીસે એક્ટિવા ચાલક ખાલિદ શેખ સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ
