Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરેલીમાં મેઘરાજાની મહેર: જિલ્લાના જળાશયો છલકાયા, ડેમોના દરવાજા ખોલાયા

અમરેલીમાં મેઘરાજાની મહેર: જિલ્લાના જળાશયો છલકાયા, ડેમોના દરવાજા ખોલાયા

અમરેલી, 07 જુલાઈ (હિ.સ.) :

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા મેઘરાજાના હેતને કારણે જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થતા મોટાભાગના ડેમો છલોછલ ભરાઈ ગયા છે. જિલ્લાના મુખ્ય 10 જળાશયો પૈકી 6 જળાશયો સંપૂર્ણ ભરાઈ જતા વહીવટી તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

જિલ્લાના સૌથી મોટા જળાશય એવા ધારી નજીક શેત્રુંજી નદી પર આવેલા ખોડીયાર ડેમના બે દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.

ખોડીયાર ડેમના ડેપ્યુટી ઇજનેર હિતેષ કણજારિયાએ જણાવ્યું હતું કે, ડેમમાં સતત પાણીની આવકને પગલે જળસ્તર જાળવી રાખવા માટે આ નિર્ણય લેવાયો છે.

અન્ય જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો:

ઠેબી ડેમ અમરેલીના ભાગોળે આવેલા આ ડેમના 6 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

ધાતરવડી-1 ડેમ: આ ડેમ હાલ 0.75 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે.

રાયડી ડેમ (ખાંભા): બારમણ ગામ નજીક આવેલ આ ડેમ ઓવરફ્લો થતા સુરક્ષાના ભાગરૂપે 1 દરવાજો ખોલવામાં આવ્યો છે.

સુરજવાડી ડેમ: આ ડેમ 0.30 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે.

ધાતરવડી-2 ડેમ (રાજુલા): આ ડેમમાં પાણીનું દબાણ વધુ હોવાથી 10 દરવાજા 0.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

જળાશયો છલકાવાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, પરંતુ ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોવાથી નદી કિનારાના ગામડાઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા અને પશુધનને નદી કિનારે ન લઈ જવા અપીલ કરવામાં આવી છે.

હાલમાં સિંચાઈ વિભાગની ટીમ ડેમોની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે.

ખોડીયાર ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પાણીની સારી આવક થઈ છે. ડેમની સુરક્ષા અને જળસ્તરના વ્યવસ્થાપન માટે અત્યારે બે દરવાજા ખોલવામાં આવ્યા છે. અમે સતત ડેમની સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છીએ અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા જાણ કરી દેવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati