Dailyhunt
અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી

અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી

અમરેલી, 03 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રાજ્યભરમાં રાષ્ટ્રીય પક્ષો દ્વારા યોગ્ય ઉમેદવારોની શોધખોળ શરૂ થઈ ગઈ છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ ચૂંટણીને લઈ રાજકીય ચહલપહલ વધતી જોવા મળી રહી છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સેન્સ પ્રક્રિયાનો શુભારંભ કરાતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.

અમરેલી જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત કુલ 6 નગરપાલિકા, 11 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત માટે મતદાન યોજાનાર છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંભવિત ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં સ્થાનિક સ્તરે કાર્યરત કાર્યકર્તાઓ, આગેવાનો અને પક્ષના પદાધિકારીઓના અભિપ્રાય મેળવવામાં આવી રહ્યા છે.

ઉમેદવારી માટે ઇચ્છુકોમાં ભારે ઉત્સુકતા અને થનગનાટ જોવા મળી રહ્યો છે. અનેક દાવેદારો પોતાના નામ આગળ ધપાવવા માટે સક્રિય બન્યા છે અને પક્ષના નેતાઓ સાથે સંપર્ક સાધી રહ્યા છે. આગામી દિવસોમાં કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો પણ પોતાની પ્રક્રિયા તેજ કરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આ ચૂંટણી અમરેલી જિલ્લામાં રાજકીય દિશા નક્કી કરનારી બનશે, જેને લઈને તમામ પક્ષો સજ્જ થઈ ગયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati