Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અંજારમાં ડ્રગ્સના કાળા કારોબાર પર SOGનો પ્રહાર: હાઈબ્રીડ ગાંજો, ચરસ અને બાઈક સાથે યુવક ઝડપાયો

અંજારમાં ડ્રગ્સના કાળા કારોબાર પર SOGનો પ્રહાર: હાઈબ્રીડ ગાંજો, ચરસ અને બાઈક સાથે યુવક ઝડપાયો

Hindusthan Samachar 3 months ago

કચ્છ, 06 જુલાઈ (હિ.સ.) પૂર્વ કચ્છ જિલ્લામાં નશાના ગેરકાયદે વેપાર અને માદક પદાર્થોના વધતા દુષણને ડામવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા NO DRUGS IN EAST KUTCH CAMPAIGN અંતર્ગત વધુ એક મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે. ગાંધીધામ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે આજે અંજાર શહેરમાં સફળ દરોડો પાડી એક યુવકને હાઈબ્રીડ ગાંજો અને ચરસ જેવા પ્રતિબંધિત માદક પદાર્થો સાથે ઝડપી પાડ્યો છે.

પોલીસે આ કાર્યવાહી દરમિયાન નશીલા પદાર્થો ઉપરાંત મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ રૂ.1,32,012નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જિલ્લામાં ડ્રગ્સના વેપારને જડમૂળથી નાબૂદ કરવા માટે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાના તમામ પોલીસ મથકો અને વિશેષ ટીમોને માદક પદાર્થોના ગેરકાયદે વેપાર, હેરફેર અને વેચાણ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામગીરી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. તેના ભાગરૂપે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળની ટીમ સતત બાતમીદારો મારફતે માહિતી એકત્ર કરી રહી હતી.

દરમિયાન એસ.ઓ.જી.ને વિશ્વસનીય ખાનગી બાતમી મળી હતી કે અંજાર ટાઉન હોલ પાછળ આવેલા જાહેર મેદાનમાં એક યુવક હાઈબ્રીડ ગાંજો અને ચરસનું વેચાણ કરવા માટે આવવાનો છે. બાતમી મળતા જ એસ.ઓ.જી.ની ટીમે સ્થળ પર સાવચેતીપૂર્વક વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ શંકાસ્પદ હિલચાલ કરતો એક યુવક ત્યાં પહોંચતા પોલીસે તેને અટકાવી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન યુવક પાસેથી આશરે 21.35 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, જેની અંદાજિત કિંમત રૂ.74,725, તેમજ 9.15 ગ્રામ ચરસ, જેની કિંમત અંદાજે રૂ.2,287 હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત આરોપી પાસેથી ઉપયોગમાં લેવાતો એક મોબાઈલ ફોન તથા યામાહા કંપનીનું મોટરસાયકલ પણ કબજે કરવામાં આવ્યું હતું. તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.1,32,012 જેટલી હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીની ઓળખ વિશાલ નારણભાઈ વૈષ્ણવ તરીકે થઈ છે. તે હાલમાં અંજાર તાલુકાના મેધપર-બોરીચી સ્થિત આશાપુરા સોસાયટીમાં રહે છે, જ્યારે તેનું મૂળ વતન મધ્યપ્રદેશ રાજ્યના રતલામ જિલ્લાના કેશરીયા ગામમાં હોવાનું જાણવા મળ્યું છે.

આ કેસની તપાસ દરમિયાન પોલીસને વધુ એક વ્યક્તિની સંડોવણી અંગે મહત્વપૂર્ણ માહિતી મળી છે. પોલીસના જણાવ્યા મુજબ પ્રદીપસિંહ હેતુભા વાધેલા, રહે. સાંઈધામ સોસાયટી, શિણાય (તા. ગાંધીધામ) આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. હાલ તે ફરાર હોવાથી તેની શોધખોળ માટે અલગ-અલગ ટીમોને કામગીરી સોંપવામાં આવી છે.

ઝડપાયેલા આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ-1985ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ માટે સમગ્ર કેસ અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે આરોપી પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલ ફોનની તપાસ કરી રહી છે, જેથી ડ્રગ્સ સપ્લાય ચેઇન, ખરીદદારો અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચી શકાય.

પૂર્વ કચ્છ પોલીસનું કહેવું છે કે જિલ્લામાં ડ્રગ્સના નેટવર્કને સંપૂર્ણપણે તોડી પાડવા માટે આવનારા દિવસોમાં પણ આવી જ સઘન કાર્યવાહી ચાલુ રહેશે. પોલીસ દ્વારા નશાના કારોબારમાં સંડોવાયેલા તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં અને યુવાનોને ડ્રગ્સના વ્યસનથી બચાવવા માટે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati