Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અંજારમાં જુગારધામ પર પોલીસનો સપાટો, 15 શખ્સો ઝડપાયા; ₹3.80 લાખનો મુદ્દામાલ કબજે

અંજારમાં જુગારધામ પર પોલીસનો સપાટો, 15 શખ્સો ઝડપાયા; ₹3.80 લાખનો મુદ્દામાલ કબજે

કચ્છ, 01 સપ્ટેમ્બર (હિ.સ.) : અંજાર તાલુકાના મોટી નાગલપર ગામમાં આવેલી અંબિકાનગર સોસાયટીમાં ચાલતા કથિત જુગારધામ પર અંજાર પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીમાં ગંજીપાનાથી જુગાર રમતા કુલ 15 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન, ગંજીપાનાની જોડીઓ તેમજ છ જેટલા વાહનો સહિત કુલ ₹3,80,310નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ અંજાર પોલીસને બાતમી મળી હતી કે મોટી નાગલપર ગામની અંબિકાનગર સોસાયટીમાં આવેલા એક રહેણાક મકાનના બીજા માળે બહારથી લોકોને બોલાવી ગંજીપાનાથી જુગાર રમાડવામાં આવી રહ્યો છે. જુગાર રમવા આવતા લોકો પાસેથી નાલ ઉઘરાવી ક્લબના સ્વરૂપમાં જુગારધામ ચલાવવામાં આવતું હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી મોટી સંખ્યામાં લોકો જુગારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા મળી આવ્યા હતા. પોલીસે તમામને ઝડપી લઈ તેમની પાસેથી રોકડ રૂ.79,310, 14 મોબાઈલ ફોન, ગંજીપાનાની બે જોડીઓ અને અન્ય જરૂરી પુરાવાઓ કબજે કર્યા હતા. આ ઉપરાંત સ્થળ પરથી છ મોટરસાયકલ પણ મળી આવી હતી. વાહનોની કિંમત સહિત કબજે કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.3,80,310 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં કાંતીલાલ લાધાભાઈ બાંભણીયા (ઉં.વ. 50), દિપેન દિલીપભાઈ વાઘમશી (ઉં.વ. 33), નવીનભાઈ કરશનભાઈ ચોટારા (ઉં.વ. 42), ગોપાલ વલમજી વાઘમશી (ઉં.વ. 30), ભાવેશભાઈ ડાયાભાઈ સોરઠીયા (ઉં.વ. 47), દિપક રમેશભાઈ બાંભણીયા (ઉં.વ. 41), પ્રેમજીભાઈ જેઠાભાઈ હડીયા (ઉં.વ. 57), હરેશભાઈ મનજીભાઈ સોરઠીયા (ઉં.વ. 54), હિરેન કાંતીલાલ બાંભણીયા (ઉં.વ. 26), અર્જુન માવજીભાઈ કાપડી (ઉં.વ. 40), મિતેષ રતિલાલભાઈ બાંભણીયા (ઉં.વ. 26), પરષોતમભાઈ હિરજીભાઈ બાંભણીયા (ઉં.વ. 60), અશ્વીન ધનજીભાઈ બાંભણીયા (ઉં.વ. 40), પરષોતમભાઈ વિરજીભાઈ હડીયા (ઉં.વ. 62) અને હિતેષભાઈ લાલજીભાઈ સોરઠીયા (ઉં.વ. 50)નો સમાવેશ થાય છે. તેમની સામે અંજાર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ.જી. વાળા તથા પોલીસ સ્ટાફે સંયુક્ત રીતે દરોડાની કામગીરી પાર પાડી હતી. પોલીસની આ કાર્યવાહીથી અંજાર વિસ્તારમાં ચાલતી જુગાર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીનો સંદેશો ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati