




વરસાદ પડતાની સાથે જ માર્ગ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે
વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈને શાળાએ જવાની ફરજ પડે છે
સ્થાનિકોએ માંગ કરી છે કે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવે
ભરૂચ 02 જુલાઈ (હિ.સ.)
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પંચાયતની હદમાં આવેલા લક્ષ્મણનગરને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહેવાસીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદ પડતાની સાથે જ માર્ગ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈને શાળાએ જવાની ફરજ પડે છે.
આ વિસ્તારમાં સરસ્વતી સ્કૂલ સહિત ત્રણથી ચાર શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે.
પાણી ભરાવાને કારણે નાના બાળકો, વાલીઓ તેમજ વાહનચાલકો માટે અકસ્માતનો ભય પણ સતત રહે છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી દર ચોમાસામાં આ સમસ્યા યથાવત રહે છે. અનેક વખત ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.
સ્થાનિકોએ માંગ કરી છે કે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેમજ લક્ષ્મણનગરને જોડતા માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને દર વર્ષે ભોગવવી પડતી મુશ્કેલીમાંથી રાહત મળી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

