
અમરેલી, 07 જુલાઈ (હિ.સ.) : સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ ખાતે આવેલા વોરાધાર ડેમ સાઇટની ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુલાકાત લઈને સ્થળ પર ચાલી રહેલા વિકાસકાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ડેમના નિર્માણ અને જળસંચય સંબંધિત કામગીરી અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન ધારાસભ્યએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે યોજનાની પ્રગતિની સમીક્ષા કરી હતી.
જળસંચય ક્ષમતામાં વધારો થાય, વરસાદી પાણીનો અસરકારક ઉપયોગ થઈ શકે અને ખેડૂતોને લાંબા ગાળે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બને તે માટે યોજનાનું અસરકારક અમલીકરણ કરવા અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જણાવ્યું હતું કે પાણીનું સંરક્ષણ આવનારી પેઢી માટે અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી છે. ડેમ અને જળસંચય યોજનાઓના મજબૂત અમલીકરણથી ખેડૂતોને સિંચાઈ માટે સ્થાયી લાભ મળશે તેમજ ભૂગર્ભ જળસ્તરમાં પણ સુધારો થશે.
મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસકાર્યો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

