Dailyhunt
બગસરા એસટી ડેપોના મેનેજર સહિત 3 કર્મીઓ સસ્પેન્ડ, બેદરકારી સામે કડક કાર્યવાહી

બગસરા એસટી ડેપોના મેનેજર સહિત 3 કર્મીઓ સસ્પેન્ડ, બેદરકારી સામે કડક કાર્યવાહી

અમરેલી, 03 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લાના બગસરા એસટી ડેપોમાંથી મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં ડેપો મેનેજર સહિત ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી એસટી વિભાગના નિયામક ભાવેશ પટેલ દ્વારા ફરજમાં બેદરકારીને પગલે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે એસટી વિભાગમાં ચકચાર મચી છે.

મળતી માહિતી મુજબ બગસરા-જૂનાગઢ-ખાંભા નાઇટ રૂટ પર દોડતી એસટી બસનો અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત જૂનાગઢના સક્કરબાગ વિસ્તારમાં થયો હતો, જ્યાં બસના સ્ટેરિંગની નટ ખુલી જતા અકસ્માતની ઘટના બની હતી. ઘટનાને ગંભીરતાથી લઈને વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન તકનીકી બેદરકારી સામે આવતા બગસરા ડેપોની મેનેજર નિમિષાબેન ગઢવી, હેડ મિકેનિક અને આર્ટન્સી મિકેનિકને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના એસટી નિગમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી હોવાને કારણે તંત્રે તાત્કાલિક કડક કાર્યવાહી કરી છે.

વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ એસટી વિભાગમાં આ પ્રકારની ઘટના ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે, જેમાં ડેપો મેનેજર સહિતના અધિકારીઓ સામે સીધી કાર્યવાહી કરવામાં આવી હોય. આ કાર્યવાહી દ્વારા તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મુસાફરોની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે.

આ ઘટનાથી એસટી વિભાગના અન્ય કર્મચારીઓમાં પણ ચેતવણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને કામગીરીમાં વધુ જવાબદારીપૂર્વક કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati